લાકડિયામાં લોકહિતનાં મૂલ્યોનું જતન યોગ્ય રીતે ન થતાં લોકદરબાર ફરી યોજો

લાકડિયા (તા. ભચાઉ), તા. 1 : લાકડિયામાં તા. 21 જૂનના સાંજે યોજાયેલા લોકદરબારમાં લોકહિતનાં મૂલ્યોનું જતન યોગ્ય રીતે ન થયું હોવાથી ફરીથી યોજવાની લોકહિત રક્ષક સમિતિ દ્વારા ગાંધીધામ સ્થિત પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષક પાસે રજૂઆત કરાઇ હતી.સમિતિના અધ્યક્ષ કેશવભાઇ મચ્છોયાએ રજૂઆત કરી હતી કે, ગામમાં દારૂ પીનારા અને વેચનારની સંખ્યા વધી રહી છે. એ બાબતની કોઇ રજૂઆત કે ધ્યાન આપવામાં આવ્યું નથી. અહીં સામાન્ય જનતા પોલીસથી સુરક્ષા કરતાં ભય વધુ અનુભવે છે. ગ્રામ પંચાયતના એક પણ સભ્ય હાજર રહ્યા નથી. ગામની 10થી 12 હજાર જેટલી વસ્તી છતાં એક પણ મહિલાની હાજરી જોવા મળી નથી. સ્થળ ગામની બહાર રાખવામાં આવ્યું હતું. વાહન ચેકિંગમાં રસીદ કૌભાંડમાં પણ ગેરકાયદેસર કાર્ય થઇ રહ્યું છે. ગામની અંદર ફરિયાદ થઇ હોય તેવા કોઇપણ પ્રકારના આરોપીઓ જો પકડાઇ ન શકતા હોય તો તે બાબતની જાણકારી લોકદરબારમાં આપવી જોઇએ અનુસૂચિત જાતિના વાસમાં અસામાજિક તત્ત્વોના ત્રાસ બાબતે પણ કોઇ રજૂઆત થઇ નથી. 

Crime

© 2022 Saurashtra Trust