ગાંધીધામની મુખ્ય બજારમાં બંધ દુકાનમાંથી 50 હજારની તસ્કરી

ગાંધીધામ, તા. 1 : શહેરની મુખ્ય બજારમાં તસ્કરોએ એક સાથે ત્રણ જેટલી દુકાનને નિશાન બનાવીને રોકડા રૂા. 50 હજારની ચોરી કરી હોવાનો મામલો સ્થાનિક એ ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયો હતો. વારંવાર બનતી ચોરીની ઘટનાને લઈને  વેપારી વર્ગમાં ચિંતા પ્રસરી હતી. બીજીબાજુ કથળતી જતી કાયદો વ્યવસ્થા અને  ચોરીના કૃત્યને અંજામ આપનારા તસ્કરોને  સત્વરે પકડી પાડવાની પોલીસ તંત્રે હૈયાધારણ આપી હતી. ઝંડાચોક પાસે આવેલી વચલી બજારમાં  દુકાન નં. 106, 107માં લક્ષ્મણ ફેન્સી સ્ટોરના નામથી વેપાર કરતા નિખિલભાઈ લક્ષ્મણભાઈ લખવાણીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે,  ગઈકાલે રાત્રિના 2થી 5 વાગ્યાના અરસામાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યો ઈસમ દુકાનની છતના  ભાગેથી લાકડાનો દરવાજો તોડીને  દુકાનમાં પ્રવેશ્યા બાદ  ગલ્લામાંથી રોકડા રૂા. 50 હજારની ઉઠાંતરી કરી નાસી ગયો હતો. આ ઉપરાંત અન્ય દુકાનોમાં લાગેલા સી.સી.ટી.વી કેમરાના કેબલ, વાઈ-ફાઈ રાઉટર સહિતનાને નુકસાન પહોંચાડયું હતું. ચોરીની ઘટના અંગે પ્રાપ્ત થયેલા સી.સી.ટી.વી. ફૂટેજના પૃથક્કરણના આધારે પોલીસે ગુનેગારોને પકડી પાડવા  ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આંરભી છે. વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાણીએ કહ્યંy હતું  કે, ગઈકાલે રાત્રિના 10 જેટલી દુકાનોને તસ્કરોને નિશાન બનાવી હતી તેમજ આ બનાવના આગલા દિવસે પણ ચોરીની ઘટના બની હતી. મુખ્ય બજારમાં વધતા ચોરીના બનાવો ચિંતાજનક છે.  આ અંગે એ ડિવિઝન પોલીસ ઈસ્પેકટર એ.બી. પટેલ દ્વારા યોગ્ય કાર્યવાહી હૈયાધારણ અપાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.નોંધપાત્ર છે કે, થોડા મહિના  અગાઉ જ મુખ્ય બજારમાં  દુકાનોમાં ચોરીનો મામલો ફરિયાદ સ્વરૂપે પોલીસ ચોપડે નોંધાયો હતો તેવામાં વધુ એક વખત તસ્કરોએ આ જ વિસ્તારમાં ખાતર પાડીને કાયદાના રક્ષકોને પડકાર ફેંકયો તેવું ચિત્ર ઉપસ્યું છે. 

Crime

© 2022 Saurashtra Trust