ડાયમંડ લીગ : ભાલાફેંકમાં નીરજ ચોપડાને રજતચંદ્રક
સ્ટોકહોમ, તા.1 : ભાલા ફેંકમાં ભારતના નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીતવા સાથે પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડયો છે. ગત ટોકયો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતી રાતોરાત સફળતાની ઉંચાઈઓ સર કરનાર નીરજ ચોપડાએ પહેલા પ્રયાસમાં જ 89.94 મી.દૂર ભાલો ફેંકી પોતાનો જ વિક્રમ તોડી નાખ્યો હતો. નીરજ ચોપડાએ છેલ્લા 1પ દિવસમાં બીજીવાર પોતાનો જ વિક્રમ તોડવાની સિદ્ધિ મેળવી છે. 1પ જૂલાઈથી હવે તે વર્લ્ડ ચેમ્પિયનશીપ રમવા મેદાનમાં ઉતરશે. ડાયમંડ લીગમાં ગ્રેનેડિયન એન્ડરસન પીટર્સે 90.13 મી. દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે અગાઉ તુર્કુમાં 89.30 મી. દૂર ભાલો ફેંકયો હતો.