રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના માટે હક્કદાર ન હોય તેવા લોકો સામે લેવાશે પગલાં

ગાંધીધામ, તા. 1 : આ તાલુકાની અમુક વાજબી ભાવની દુકાનોમાં ભૂતિયા રાશનકાર્ડ તથા એનએફએસએમાં ન આવતા હોવા છતાં અમુક લોકોના આવા રાશનકાર્ડ છે. એનએફએસએમાં ન આવતા હોય તેવા લોકોએ અહીંની મામલતદાર કચેરીમાં અરજી કરવા જણાવાયું છે. આગામી તા. 25/7 પછી તપાસ દરમ્યાન આવા લોકો પકડાશે તો તેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.આ તાલુકામાં આવેલી અનેક વાજબી ભાવની દુકાનોમાં  ભૂતિયા રાશનકાર્ડ અને તેમનું અનાજ બારોબાર પગ કરી જતું હોવાના અહેવાલો બાદ તંત્ર જાગ્યું છે. વાજબી ભાવની દુકાનોમાં વિતરીત કરાતું અનાજ મફત ગરીબો માટેની યોજના છે અને કોઇ રાશનકાર્ડધારક ચાર પૈડાંવાળું વાહન ધરાવતા હોય, કુટુંબના કોઇપણ સભ્ય સરકારી કર્મચારી હોય, કુટુંબનો કોઇ સભ્ય માસિક રૂા. 10,000થી વધુ આવક ધરાવતો હોય, કુટુંબના સભ્યો આવકવેરા ચૂકવતા હોય, જે કુટુંબ નિયત કરતાં વધુ ખેતીની જમીન ધરાવતું હોય, કુટુંબમાં કોઇપણ સભ્યનું સરકારી પેન્શન હોય, કુટુંબ આર્થિક સુખાકારી, સદ્ધરતા ધરાવતું હોય, કુટુંબ યાંત્રિક માછીમારીની બોટ ધરાવતું હોય, શહેરી વિસ્તારમાં પાકું મકાન ધરાવતા હોય તેવા લોકોને એનએફએસએ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર નથી. આવા કાર્ડધારકોએ તા. 20/7 સુધીમાં એનએફએસએ યોજનામાંથી કમી-રદ કરવા મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ, આધારકાર્ડની નકલ સાથે અરજી કરવાની રહેશે.તા.25/7 પછી મામલતદાર કચેરી દ્વારા ઝુંબેશરૂપી તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ દરમ્યાન કોઇપણ રાશનકાર્ડધારકોની આર્થિક સુખાકારી હોવાના પુરાવા બહાર આવશે તો વહીવટીતંત્ર દ્વારા કાયદેસરની તેમજ જરૂર જણાશે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે જેની નોંધ લેવા મામલતદાર કચેરીએ જણાવ્યું હતું.જે લોકો આર્થિક સદ્ધર છે અને એનએફએસએ કાર્ડ ધરાવે છે તેવા લોકો કાર્યવાહીની ચીમકીના પગલે પોતાના કાર્ડ આ યોજનામાંથી કમી કરાવી જશે, પરંતુ અમુક દુકાનદારોએ રીતસર ભૂતિયા રાશનકાર્ડ બનાવી લીધાં છે તેવા ભૂતિયા કાર્ડની તપાસણી કોણ કરશે અને જો કોઇ દુકાનમાંથી આવાં ભૂતિયા કાર્ડ ઝડપાશે તો તેવા વાજબી ભાવની દુકાનોના સંચાલકો વિરુદ્ધ કોઇ પગલાં લેવામાં આવશે કે તેમને છાવરવામાં આવશે તેવો પ્રશ્ન આ વેળાએ લોકોએ પૂછયો હતો. આવા ભૂતિયા રાશનકાર્ડ વિરુદ્ધ પણ ઝુંબેશ ચલાવવા લોકોએ માંગ કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust