નારણસરી ખનિજચોરી કેસમાં 1.80 કરોડનાં વાહનો સીઝ

રાપર, તા. 24 : કચ્છ અને ખાસ કરીને વાગડ પંથકમાં ખનિજચોરીની વ્યાપક ફરીયાદો વચ્ચે ભચાઉ તાલુકાના નારણસરી ગામની સીમમાં ચાલતા ગેરકાયદે ખનન ઉપર રાજયસ્તરેથી કરાયેલી કાર્યવાહીમાં માટી અને વાહનો સહિત કરોડથી વધુ રકમનો મુદામાલ કબ્જે કરાયો છે. આ મામલે પુર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલને નારણસરી ગામની નદીમાં અમુક માણસો બહારથી ડમ્પર બોલાવી હીટાચી મશીન વડે બેફામ રેતીચોરી કરાતી હોવાની બાતમી મળી હતી. રેતી ભરેલા વાહનો અંજતા હોટલ સામે આવેલી ટાઈલ્સની ફેકટરી પાસે બનાવાયેલા કાચા રસ્તા ઉપરથી પસાર થતા હતાં. ગત બપોર બાદ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરાયેલી કાર્યવાહી મધરાત્રી સુધી ચાલી હતી. કાર્યવાહીના અંતે 1 કરોડની કીમતના બે હીટાચી મશીન અને 80 લાખની કીમતના ચાર ડમ્પર, કબ્જે કરાયા હતાં. બે ડમ્પર અને એક ટ્રકમાં ભરેલી 116.05 મેટ્રિક ટન સાદી રેતી કબ્જે કરાઈ હતી. રેતીની કીમત રૂા. 39,547 આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન 1,80,39,457નો મુદામાલ કબ્જે કરાયો છે. આ અંગે અંજાર ખાણ ખનિજ વિભાગ દ્વારા તમામ વાહનો લાકડિયા પોલીસ મથક ખાતે સીઝ કરવામાં આવ્યા છે. નદીમાં કેટલા વિસ્તારમાં રેતીચોરી થઈ તેની માપણી થઈ ગઈ છે . આગળની તપાસ કરી ખનિજ વિભાગ દ્વારા ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.