લ્યો બોલો, ગટરની ચેમ્બરમાંથી જૂની વેફરના પેકેટનો કોથળો નીકળ્યો !!

લ્યો બોલો, ગટરની ચેમ્બરમાંથી જૂની વેફરના પેકેટનો કોથળો નીકળ્યો !!
ભુજ, તા. 24 : શહેર અથવા તો શાસકોનું સારા ન ઈચ્છનારાઓ દ્વારા વારંવાર કોઈને કોઈ ગતકડાં કરવામાં આવતા હોય છે. તાજેતરમાં રેલવે સ્ટેશન પાસેની ગટરમાંથી જૂની વેફરના પેકેટનો કોથળો મળી આવ્યો હતો. જો કે, આ બનાવ નવો નથી. ભુજમાં રેલવે સ્ટેશન પાસે ગટરની લાઈન ચોકઅપ થતાં સુધરાઈ દ્વારા મરંમત કામ હાથ ધરાયું હતું. જે દરમ્યાન ચેમ્બરમાંથી જૂની વેફર ભરેલો કોથળો મળી આવ્યો હતો. જેથી આ કૃત્ય જાણીજોઈને કરાયું હોય તેવું સુધરાઈના જવાબદારોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેકવાર આવા બનાવો બન્યા છે અને ક્યારેક ગટરની ચેમ્બરમાંથી મોટા પથ્થર તો ક્યારેક સિમેન્ટની ગૂણી પણ નીકળી છે. આ કૃત્ય માત્રને માત્ર ગટરની લાઈન ચોકઅપ થાય અને લોક ફરિયાદો ઊઠે તે માટે જ કરાતાં હોવાનું પણ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. અહીં નોંધવું ઘટે કે, નાગોર માર્ગે આવેલી અમુક વાડીઓના માલિકો દ્વારા પણ ગટરની લાઈન ચોકઅપ કરી તેનાં પાણી વાડીઓમાં વાળવામાં આવતાં હોવાથી ગટરનાં પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટના તળાવ સુધી આ પાણી પહોંચી જ નથી  શકતાં તેવું પણ જાગૃતો જણાવી રહ્યા છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer