છકડા-રિક્ષાચાલકો, ખાનગી વાહનો પર ટ્રાફિક પોલીસ `મહેરબાન''

છકડા-રિક્ષાચાલકો, ખાનગી વાહનો પર ટ્રાફિક પોલીસ `મહેરબાન''
ભુજ, તા. 24 : શહેરમાં નો પાર્કિંગ ઝોનમાં આડેધડ પાર્કિંગ, ખાનગી બસો, છકડા-રિક્ષાચાલકોની પેસેન્જર મેળવવાની હોડનાં કારણે સર્જાતી સમસ્યાથી શહેરીજનો તોબા પોકારી ગયા છે, તેમ છતાં શહેરની ટ્રાફિક પોલીસ ગાઢ નિદ્રામાં પોઢી ગઈ હોય તેવો તાલ છે.  શહેરના હાર્દ સમાન વાણિયાવાડ નાકે વહેલી સવારથી જ ગામડાઓમાંથી જથ્થાબંધ શાકભાજીના હાટડાઓ મંડાય છે, તેમજ આ વિસ્તારમાં શાકમાર્કેટ, અન્ય બજારો આવેલી હોવાથી દિ' ઊગતા જ શહેર ઉપરાંત ગામડાઓના લોકો ખરીદી કરવા ઉતરી પડે છે, ખરીદી કરી ફરી પોતાના ગંતવ્ય સ્થળે અથવા તો હંગામી બસ સ્ટેશન સુધી જવા માગતા ગ્રાહકોને  પોતાની રિક્ષા અથવા તો છકડામાં બેસાડવા આવા વાહનચાલકો છેક વાણિયાવાડ નાકા સુધી તેમજ અમુક તો ચોકમાં આવેલા શેઠ ડોસાભાઈના પૂતળા સુધી ઘૂસી આવી ટ્રાફિક સમસ્યા સર્જી રહ્યા છે. તેમ છતાં સામે જ આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના પેટનું પાણી પણ હાલતું નથી અને તેઓ વોટ્સએપમાં જ વ્યસ્ત રહે છે. તેવો બળાપો નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. સવારથી છેક રાત્રિ સુધી આ વિસ્તારમાં લોકોની ભારે ભીડ રહેતી હોય છે, તેમાં આવા વાહનચાલકો ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે, જેનાં કારણે ખરીદી કરવા આવતા નાગરિકો અને ટુ વ્હીલર ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.  ક્યારેક આ ચાલકો વચ્ચે પેસેન્જર મેળવવા રીતસરની હોડ જામે છે અને અંધાધૂંધી સર્જાય છે. આ ઉપરાંત બજારોમાં પણ મનફાવે તે રીતે હાથગાડીઓવાળા ગોઠવાઈ ગયા છે, જેથી રસ્તા પણ સાંકડા પડી રહ્યા છે, તેમ છતાં સવારમાં માત્ર એક આંટો મારવા આવતી પોલીસ મોબાઈલ ગયા બાદ એકપણ પોલીસ કર્મચારી દેખાતા નથી, ખરેખર તો પોલીસે આવા ધમધમતા વિસ્તારમાં આખો દિવસ કડક બની ફરજ બજાવવી જોઈએ. તેવો સૂર જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક નજરે જોનારા જાગૃતોના કહેવા અનુસાર અમુક પોલીસવાળા હાથલારીવાળાઓ પાસેથી `થેલી' પણ ભરી જતાં હોવાથી ધંધાર્થીઓને કોઈની બીક રહેતી નથી અને મનફાવે તે રીતે વચ્ચે ઊભી ધંધો કરતા  હોય છે.બીજીતરફ આ સમસ્યા માત્ર વાણિયાવાડ પૂરતી નહીં, પરંતુ આખા શહેરની છે, જ્યુબિલી ગ્રાઉન્ડ આસપાસ 100 મીટરના વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનના બોર્ડ પણ મારેલા છે, તેમ છતાં પોલીસની હાજરી સામે જ અનેક વાહનો આડેધડ ઊભા રહે છે, જે ટ્રાફિકને નડતરરૂપ હોવા છતાં ટ્રાફિક પોલીસ નિક્રિય રહી જોયા કરે છે, તેવી જ રીતે આકાશવાણી સામે પણ અડધો રસ્તો રોકી ફોર વ્હીલર સહિતના વાહનો પાર્ક કરાય છે, આવી જ પરિસ્થિતિ હોસ્પિટલ રોડની છે. તો ભૂકંપ બાદ શહેરને મળેલા છઠ્ઠીબારી કે અનમ રિંગરોડ સહિતના તમામ રસ્તાઓ પર ફોર વ્હીલર અને નાસ્તાની હાથલારીવાળાઓએ કબ્જો જમાવ્યો છે. ઘણા સમય પહેલાં કડક છાપ ધરાવતા ટ્રાફિક પોલીસ અધિકારીએ તમામ રિક્ષા-છકડાચાલકોને રાજન શો-રૂમ સુધી મર્યાદિત રાખ્યા હતા. જેથી ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળી હતી, આવી જ રાહત હાલના અધિકારીઓ પાસે નાગરિકો રાખી રહ્યા છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer