બારોઇના વેપારી સાથે હનીટ્રેપ : ટોળી સકંજામાં
ભુજ, તા. 24 : થોડા દિવસો પહેલાં એનઆરઆઇ વૃદ્ધ મિરજાપરમાં હનીટ્રેપમાં ફસાયા હતા. આ વચ્ચે ગઇકાલે બારોઇના વેપારીને પણ ભુજની મહિલાએ ખુશ કરવાના બહાને બોલાવ્યા બાદ હનીટ્રેપના કારસામાં સપડાવ્યો હતો, પરંતુ સાથે મિત્રએ અન્ય ફોન કરી દેતાં પોલીસ સુધી વાત પહોંચી અને છ પૈકીના બે આરોપીને દબોચી લેવાયા હતા. આ કેસની નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ ફરિયાદી બારોઈના વેપારી ચિરાગ ધીરજલાલ વોરાને થોડા દિવસો પૂર્વે ભુજથી રઝિયા નામની મહિલાનો?ફોન આવ્યો હતો અને આ નંબર અગાઉ મુંદરામાં તમારી બાજુમાં રહેતા સંજયભાઇ પ્રજાપતિએ આપ્યા હોવાનું જણાવ્યું હતું. વારંવારની વાતચીતમાં ભુજ આવો ત્યારે મળશું ને હું તમને ખુશ કરી દઇશ તેવી વાત કરી હતી. દરમ્યાન ગઇકાલે ચિરાગભાઇ અને તેના મિત્ર ખીમરાજ ગઢવી ભુજ ખરીદી માટે આવ્યા હતા ત્યારે મિત્રને રઝિયા સાથેની વાતચીત બાબતે જણાવતાં રઝિયાને ફોન કરતાં તે તથા અન્ય એક યુવતી આવ્યા હતા અને સંસ્કારનગરમાં એક રૂમમાં લઇ ગયા હતા. જ્યાં થોડા સમય બાદ અન્ય બે પુરુષો તથા એક ત્રી આવી ચડ્યા હતા અને એક પુરુષે તું મારી બહેનને અહીં કેમ લાવ્યો છે કહી મારઝૂડ કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં અને પૈસા લઇને મામલો પૂરો કરવાનું કહેતાં રઝિયાએ સંજયને ફોન લગાવી રૂમ ઉપર બોલાવ્યો હતો અને રૂા. ત્રણ લાખની માગણી કરી હતી અને રૂા. 2.50 લાખ આપવાનું નક્કી થયું હતું. નાણાં હાથ ન હોવાથી મુંદરા લેવા જવાની વાત કરતાં બે પુરુષો સાથે આવ્યા હતા અને કેરામાં ચા-પાણી માટે ઊભા રહેતાં ફરિયાદી ચિરાગના મિત્ર ખીમરાજે તેના મિત્રને ફોન લગાવી વાતથી વાકેફ કરતાં પૈસાની વ્યવસ્થા ભુજમાં થઇ જશે તેથી ગાડી વાળી પરત ભુજમાં વિરામ હોટેલ પાસે આવતાં એલસીબીનો પોલીસ સ્ટાફ બધાને ઝડપી કચરીએ લઇ ગયો હતો. આ કામમાં ઝડપાયેલા આરોપી સંજય તથા અન્ય ફૈઝાનશા કાસમશા શેખ (રહે. શેખ ફળિયું ભુજ)એ જણાવ્યું કે, આમાં મહિલાઓમાં 20થી 25 વર્ષની છોકરી સોનુ (રહે. સેજવાળા માતામ), 40થી 45 વર્ષની જાનકી અને ત્રીજી 30થી 35 વર્ષની ત્રી રઝિયા તેમજ 25થી 30 વર્ષનો ઇસમ જગુ (રહે. સંજોગનગર)વાળો હોવાનું જણાવતાં છએ આરોપી વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અન્ય આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.