આઇપીએલની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ ગુજરાત

કોલકાતા, તા. 24 : આઇપીએલની પહેલી ક્વોલિફાયર મેચમાં આજે રોમાંચક ક્ષણોમાં  છેલ્લી ઓવરમાં 16 રન કરી લઇને ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે જીત મેળવી હતી. આ રીતે પહેલી જ વખતમાં ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી છે અને 2022ની આઇપીએલમાં ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. રાજસ્થાનના 189 રનના જીતના લક્ષ્ય સામે ગુજરાતે 3 વિકેટના ભોગે 19.3 ઓવરમાં 191 રન કરી લીધા હતા. અંતિમ ઓવરમાં જીત માટે 16 રનની જરૂર હતી અને ડેવિડ મિલરે  સતત ત્રણ છગ્ગા લગાડીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.રાજસ્થાને આપેલા 20 ઓવરમાં 189 રનના જીતના લક્ષ્ય સામે  ગુજરાતનો ઓપનર  રિદ્ધિમાન સહા 0 રને આઉટ થયો હતો, પરંતુ શુભમન ગિલે 21 દડામાં  35 રન અને મેથ્યુસે 30 દડામાં 35 રન કરીને જીતનો પાયો રચ્યો હતો. એ પછી અણનમ રહેલા કપ્તાન હાર્દિક પંડયાએ ધુંઆધાર 27 દડામાં 40 રન અને ડેવિડ મિલરે માત્ર 38 દડામાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે કરેલા 68 રને શાનદાર જીત અપાવી હતી.અગાઉ ઓરેન્જ કેપ હોલ્ડર જોસ બટલરના ધુંઆધાર 89 રનની મદદથી આઇપીએલની પહેલી કવોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સે 20 ઓવરના અંતે 6 વિકેટે 188 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. આથી ફાઇનલમાં પહોંચવા માટે ગુજરાતની ટીમને 189 રનનો પડકારરૂપ વિજયી લક્ષ્યાંક મળ્યો હતો. ધીમી શરૂઆત કરનાર બટલરે આખરી પાંચ ઓવરમાં ખભા ઊંચકયા હતા. આ દરમિયાન તેને ગુજરાત ટાઇટન્સની નબળી ફિલ્ડિંગનો પણ ભરપુર સાથ મળ્યો હતો. આખરી ઓવરના પાંચમા દડે રનઆઉટ થતાં પહેલાં બટલરે પ6 દડામાં 12 શાનદાર ચોગ્ગા અને 2 ગગનચૂંબી છગ્ગાની મદદથી 89 રનની આકર્ષક ઇનિંગ્સ રમીને રાજસ્થાનને 188 રનના મજબૂત સ્કોરે પહોંચાડી હતી. બટલરની ફટકાબાજીથી રાજસ્થાને આખરી પાંચ ઓવરમાં 64 રનનો ઉમેરો કર્યો હતો. 11 રને યશસ્વી જયસ્વાલ (3) વિકેટ ગુમાવ્યા બાદ કપ્તાન સંજુ સેમસન અને બટલર વચ્ચે બીજી વિકેટમાં 47 દડામાં 68 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. સેમસન 26 દડામાં પ ચોગ્ગા-3 છગ્ગાથી આક્રમક 47 રન કરી આઉટ થયો હતો. જ્યારે દેવદત્ત પડીકકલે 20 દડામાં 28 રનનો ફાળો આપ્યો હતો. હેટમાયર 4 રને આઉટ થયો હતો. આ દરમિયાન બટલરે એક છેડો સાચવી રાખીને રાજસ્થાન રોયલ્સની રન રફતાર વધારી હતી. અશ્વિન 2 રને નોટઆઉટ રહ્યો હતો. રિયાન પરાગ 4 રને રનઆઉટ થયો હતો. ગુજરાત તરફથી રાશિદખાને 4 ઓવરમાં ફકત 1પ રન આપ્યા હતા. કપ્તાન હાર્દિક પંડયા, મોહમ્મદ શમી, સાંઇ કિશોર અને યશ દયાલને 1-1 વિકેટ મળી હતી.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer