બાલાપર-બુડધ્રો યોજનાનાં છ ગામ તરસ્યાં

બિટ્ટા, તા. 24 : અબડાસામાં બાલાપર-બુડધ્રો પાણી પુરવઠા યોજનાની લાઈનમાંથી પાણી છેલ્લા ત્રણ દિવસથી બંધ હોવાથી લોકો ત્રસ્ત છે. વમોટી નાની, વમોટી મોટી, સમંડા, બાલાપુર, બુડધ્રો તેમજ બીટા છ જેટલા ગામોને આ યોજના દ્વારા પાણી પુરૂં પાડવામાં આવે છે. નલીયા સ્થિત પાણી પુરવઠા કચેરીના અધિકારીનો સંપર્ક કરતાં તેઓ જણાવે છે કે, ઉખેડાથી પાણી સપ્લાય આવે છે તે બોરનો વીજ પુરવઠો બંધ છે અને પીજીવીસીએલ દ્વારા કામગીરી થશે પછી મોટર ચાલુ થયા પછી પાણી સપ્લાય ચાલુ થાય તેમ છે. હાલે નાની વમોટી, મોટી વમોટી, ઢોરો માટે અવાડાનું પાણી પણ ન હોવાથી માલધારીઓ પોતાના સ્વખર્ચે ટેન્કર મંગાવીને પશુઓને પાણી પીવડાવે છે. બાલાપર-બુડધ્રો ગામે માલધારી પાસે મોટી સંખ્યામાં પશુધન હોવાથી સિમાડામાં જે ચેક ડેમો છે તેમાં પાણીસુકાઈ જતાં જંગલમાં પાણીનો કાંઈપણ ત્રોત ન હોવાથી તેઓ બાલાપર-બુડધ્રો નાની સિંચાઈ ડેમમાં પાણી પાવા પશુઓને પાંચ કિલોમીટર અંતરે લઈ જાય છે તેમજ બાલાપર ગામે પીવાના પાણીનું તળાવમાં પાણી તો છે પરંતુ તે પીવાલાયક ન હોવાથી આ ગામોના ગ્રામજનો તથા માલધારી પાણી પુરવઠાની લાઈનનું પાણી આવે તેવી રાહ જોઈ બેઠા છે. બીજી બાજુ પાણી સપ્લાય બંધ રહે એમ હોય તો ગામને પીવાની તેમજ પશુ માટે અવાડા ભરવાની માંગ ઉઠી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer