75 જીનિયસ ઇન્ડિયનમાં પાટીદારને સ્થાન
વિથોણ (તા. નખત્રાણા), તા. 24 : 75 જીનિયસ ઇન્ડિયનમાં પાટીદાર સપૂત શામજીભાઇ પટેલને સ્થાન મળ્યું છે.કચ્છમાં વિરાણી મોટી અને હાલે સાણંદમાં રહેતા શ્રી પટેલને અમદાવાદ ખાતે તાજેતરમાં વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન આયોજિત એવોર્ડ સમારોહમાં 75 જીનિયસ ઇન્ડિયનમાં પાંચ ગુજરાતીઓની પસંદગી કરીને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. બહુમુખી પ્રતિભા ધરાવતા સાણંદના પાટીદાર શામજીભાઇ પટેલ નિવૃત્ત સંયુક્ત સચિવ છે. તેઓ જ્ઞાતિના મુખપત્ર પાટીદાર સંદેશના માનદ્દતંત્રી છે. સાથે સાણંદ તાલુકા ડેવલપમેન્ટ કાઉન્સીલના મહામંત્રી પણ છે. તેઓને પાટીદાર સંદેશે મુખપત્રને 41 વર્ષ સુધી ચલાવવા અને 480 અંકો નોનસ્ટોપ પ્રગટ કરવા બદલ વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયા દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. શામજીભાઇ પટેલ સાથે અન્ય એવોર્ડ અપાયા જેમાં જાણીતા લેખક જોરાવરસિંહ જાદવ, સંગીતકાર પંડિત આર. બી. નાયર, સામાજિક કાર્યકર ઉમેશભાઇ મહેતા અને મહિલા કાર્યકર મંજુલાબેન દેત્રોજાનો સમાવેશ થાય છે. કચ્છ અને કડવા પાટીદાર જ્ઞાતિ સાથે તેમનો અતૂટ નાતો છે.