ભુજમાં આગળ ધપતી 40.41 કરોડની `નલ સે જલ'' યોજના

ભુજ, તા. 24 : શહેરીજનોને દરરોજ પાણી મળે તે માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના `નલ સે જલ' ભુજ શહેરમાં આગળ ધપી રહી છે અને આ કામ માટે જીયુડીસી દ્વારા ટેન્ડર પણ બહાર પડાયા છે, જે આગામી તા. 17-6ના ખોલાશે તેમજ જૂનના અંત સુધીમાં કામની સોંપણી કરાય તેવી શક્યતા વ્યકત થઈ રહી છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 40.41 કરોડના ખર્ચે આકાર પામનારી `નલ સે જલ' યોજનાને મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાયા બાદ તાંત્રિક અને વહિવટી પ્રક્રિયા પણ ઝડપભેર પૂર્ણ થતાં હવે ટેન્ડર બહાર પડાયા છે. જે આગામી 17-6ના ખોલવામાં આવશે અને ત્યારબાદ કામ સોંપાશે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી ભુજ શહેરને પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે પાંચ સ્થળે નવા ટાંકા બનાવાશે. જેમાં ભુજીયા સમ્પે 75 લાખ તેમજ 20 લાખની ક્ષમતાનો તેમજ પ્રમુખસ્વામી નગર, વાલદાસનગર, આત્મારામ સર્કલ ખાતે 10 લાખ લિટરનો ઓવર હેડ તેમજ 10 લાખ લિ.ના અન્ડરગ્રાઉન્ડ ટાંકા બનાવાશે.આ યોજના હેઠળ નવા ટાંકા સાથોસાથ જૂની પમ્પિંગ મશિનરી બદલીને નવી નખાશે. સૌથી મોટું કામ કુકમાથી ભુજીયા સમ્પ સુધી નવી એકસપ્રેસ લાઈનનું થશે જેમાં કોઈ જ ટેપિંગ નહીં કરાય અને સીધું પાણી ભુજીયા સમ્પે પહોંચાડાશે. કુકમાથી તો પાણી શુદ્ધ થઈને જ અપાશે ઉપરાંત સુરલભિટ્ટ પાસે નવો શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવાશે.  યોજનાની સંપૂર્ણ કામગીરી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિ. હસ્તક કરાશે. આ અંગે ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામ ઠકકરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, સુધરાઈની શાસનધૂરા સંભાળ્યા બાદ સૌ પહેલા ભુજવાસીઓને પાણી વિતરણની સમસ્યા હલ કરવા નકકી કર્યું અને સરકારના સહયોગથી આજે તેમાં 80 ટકા સફળતા મળી છે. અમૃત યોજના હેઠળની કામગીરી આગળ ધપી રહી છે. તે દરમ્યાન સરકાર દ્વારા `નલ સે જલ' યોજનાની દરખાસ્ત મગાવાઈ જેમાં વિવિધ તબક્કા પસાર થયા અને લગભગ આગામી માસે કામ શરૂ થશે. સમગ્ર પ્રક્રિયાને આગળ ધપાવવામાં વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યનો સંપૂર્ણ સહયોગ સાંપડયો હોવાનું ઉમેર્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer