જાહેરમાં કચરો ફેંકનારી ગાંધીધામની બે બેંક સહિત ચારને કરાયો દંડ

ગાંધીધામ, તા. 24 : દેશમાં ચાલતાં સ્વચ્છતા અભિયાન છતાં હજુ સ્વચ્છતા પ્રત્યે લોકો સભાન થયા નથી. આ પંચરંગી શહેરમાં આજે નગરપાલિકાના સેનિટેશન વિભાગે અચાનક કાર્યવાહી કરીને જાહેરમાં કચરો ફેંકવા બદલ બે બેંક સહિત ચાર પ્રતિષ્ઠાનોને દંડ ફટકાર્યો હતો. સેનિટેશન ચેરમેન કમલભાઇ શર્માના જણાવ્યા પ્રમાણે આજે આ વિભાગની ટીમે જાહેરમાં કચરો ફેંકવા બદલ કોટક મહિન્દ્રા બેંક,  પંજાબ સિંધ બેંક તથા ચોઇસ નાસ્તા સેન્ટરને રૂા. 500-500નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત પ્લેટિનિયમ સ્પા નામના પ્રતિષ્ઠાનને 2500નો દંડ કરાયો હતો. આ કામગીરીમાં સેનિટેશન વિભાગના મનોજ પવાણી તથા રતિલાલભાઇ જોડાયા હતા. સમગ્ર શહેરમાં સફાઇ બાબતે જોઇએ તેવી જાગૃતિ નથી અને ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરાતો હોવા છતાંય લોકો આડેધડ કચરો ફેંકતા જણાય છે. પાલિકાએ કરેલી આ કામગીરી આટલેથી નહીં અટકતાં ઝુંબેશ સ્વરૂપે સમગ્ર શહેર-સંકુલમાં કરાય તે જરૂરી છે. અનેક કોલોનીઓ-બંગલાઓમાં લોકોએ બનાવેલા બગીચાઓમાં વૃક્ષોનું કટિંગ કરીને રસ્તા ઉપર કચરો ફેંકી દેવો, ઘર-આંગણા ધોવાથી રસ્તે આવી જતાં પાણીથી ફેલાતી ગંદકી, સૂકો-ભીનો કચરા પૈકી ભીના કચરાને ઉપાડવા પાલિકાની કોઇ વ્યવસ્થા ન હોવાથી થતી મુશ્કેલી વગેરે બાબતો પ્રત્યે સૌએ જાગૃત થવું જોઇએ તેવું બુદ્ધિજીવીઓ ઇચ્છી રહ્યા છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer