ગાંધીધામ પાલિકા પાછલી અસરથી વેરા વસૂલે છે તે ગેરકાયદે હોવાની રજૂઆત

ગાંધીધામ, તા. 24 : આ સંકુલમાં નગરપાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલકતોનું અધિકૃત મિલકત માલિક રજિસ્ટર નિભાવવામાં આવે છે. સંકુલનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે. અહીં ખરીદ-વેચાણ પણ મોટાપાયે થાય છે. બાદમાં પાલિકામાં મિલકત માલિકનું નામ બદલવાની પ્રક્રિયા થતી હોય છે, જેમાં 2008ના પૂર્વવર્તી સમયગાળાની ગણતરી કરીને કર વસૂલવાનું શરૂ કરાયું છે. સંકુલના પ્રજાજનો તરફથી અહીંની ચેમ્બરને રજૂઆતો મળ્યા બાદ આ પ્રક્રિયાનો યોગ્ય અભ્યાસ કરી ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડે પાલિકા પ્રમુખને પત્ર પાઠવ્યો હતો, જેમાં રાજ્યની વડી અદાલતના ચુકાદાને ટાંકીને 2008ના પાશ્ચાતવર્તી સમયગાળાની જારી કરવામાં આવેલી ડિમાન્ડ નોટની પુન: સમીક્ષા કરી જી.ડી.એ.ના પ્રમાણિત પ્લાન મુજબ અગાઉ કરવામાં આવેલી પ્લોટોની સાચી પદ્ધતિના આધારે વેરો વસૂલવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.ત્રણ વર્ષ પહેલાંના કોઇપણ લેણા અથવા કરની પાછળની તારીખની ગણતરીએ વસૂલાત કરવાની પાલિકા દ્વારા અપનાવાયેલી પદ્ધતિ કાયદાકીય દૃષ્ટિએ અયોગ્ય ગણાય છે. કંડલા પોર્ટ (ડી.પી.એ.) અને વપરાશકર્તાઓ વચ્ચે થયેલા વિવાદના સંદર્ભે રાજ્યની વડી અદાલતના ચુકાદાના સંદર્ભમાં જણાવાયું હતું કે, 1994થી 2008ના બિલ ભરપાઇ કરવાની માંગનો હાઇકોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. જેથી પાલિકાએ પણ આ ચુકાદાને સંદર્ભના રૂપમાં લેવો જોઇએ તથા પ્લોટોના સેટબેક એરિયાના આધારે નહીં, પરંતુ જી.ડી.એ.ના ધારાધોરણ મુજબ વિસ્તારની ગણતરી મુજબ વેરા વસૂલાતની પદ્ધતિ અપનાવવા પાલિકા પ્રમુખને અનુરોધ કરાયો હતો. યોગ્ય કાર્યવાહી કરવાથી શહેરીજનોને ભોગવવા પડતા અકારણ પૂર્વવર્તી કરના ભારણમાંથી મુકિત મળી શકશે તેવું ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ એક યાદીમાં જણાવ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer