અગાઉ?વેચાયલી જમીન બીજીવાર વેચી મિરજાપરના ખેડૂત સાથે રૂા. 60 લાખની ઠગાઈ

ભુજ, તા. 24 : 2012માં રૂા. 60 લાખમાં જમીન વેચવા સંબંધેના કાગળો થયા બાદ આ જમીન અગાઉ અન્યને વેચાઈ હોવાનું ભોપાળું બહાર આવતાં મિરજાપરના ખેડૂતે વેરસલપરના શખ્સ સામે 60 લાખ રૂપિયા ઉપરાંત આરોપીએ સ્કોર્પિયો તથા ટેન્કર વેચાણના રૂપિયા સાત લાખ તેમજ ક્રેટા ગાડીની લોનના રૂા. 2.45 લાખના હપ્તા ન ભરી કુલ્લે રૂા. 69.45 લાખની ઠગાઈ થયાની ફરિયાદ નોંધાવાઈ છે. બીજીતરફ આ ફરિયાદ નોંધાઈ રહી હતી ત્યારે આરોપી પોલીસ મથકમાં હાજર હતો છતાં તે નાસી છૂટયાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. આ છેતરપિંડી અંગે એ-ડિવિઝન પોલીસ મથકે મિરજાપરના ખેડૂત નવીનભાઈ વાઘજીભાઈ પિંડોરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 6/11/2012ના આરોપી ગૌતમ દેવચંદ વાલાણી (રહે. વેરસલપર, તા. નખત્રાણા) પાસેથી તેમની માલિકીની મોજે ગામ પદ્ધરના સર્વે નં. 410વાળી ખેતીની જમની રૂા. 60 લાખમાં ખરીદી હતી. ખરેખર આ જમીન આ પહેલાં ઝીંકડીવાળા રણછોડ આહીરને આરોપીએ વેચી દીધી હતી જેની ચૂકતે પેમેન્ટની પહોંચ તથા પાવરનામાં પણ બનાવ્યાં હોવા છતાં ફરીથી બીજીવાર ખોટી રીતે ફરિયાદીના ભાઈ સુનીલ પિંડોરિયાના નામની ચૂકતે પેમેન્ટ પહોંચ તથા પાવરનામું બનાવીને તેઓને વેચી હતી.આ બન્ને દસ્તાવેજો આરોપીએ ખોટી રીતે બનાવેલ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી નવીનભાઈ સાથે છેતરપિંડી થઈ હોવાથી તેઓ પોતાનાં નાણાં કઢાવવા માટે અનેક ઉપાયો કર્યા હતા, જેમાં ભાગીદારીથી ધંધો પણ શરૂ કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ સ્કોર્પિયો તથા ટેન્કર વેચાણના રૂપિયા સાત લાખ લઈ પરત ન આપી તેમજ ફરિયાદીએ આરોપીનાં નામથી ખરીદેલી ક્રેટા ગાડીના લોનના હપ્તા રૂા. 2.45 લાખ મેળવી લીધા બાદ આ રકમ પણ બેન્કમાં ન જમા કરાવી નવીનભાઈ સાથે ગૌતમભાઈએ કુલ્લે રૂા. 69.45 લાખની છેતરપિંડી કરી?હોવાની ફરિયાદ નોંધાવી છે.બીજીતરફ ફરિયાદી નવીનભાઈએ `કચ્છમિત્ર'ને રૂબરૂમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, આજ ફરિયાદ નોંધાઈ રહી હતી ત્યારે આરોપી પોલીસ મથકમાં હાજર હોવા છતાં તેની ધરપકડ કરવામાં આવી ન હતી અને તેને નાસી જવામાં પોલીસે મોકળું મેદાન કરી અપાયાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ અંગે એ-ડિવિઝનના પીએસઆઈ થોમ્સનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીને નિવેદન માટે બોલાવાયો હતો, પરંતુ તેઓ અન્ય કામે રોકાયેલા હોવાથી નિવેદન લઈ શકાયું ન હતું. દરમ્યાન આરોપીને ગુના સંબંધેની ભનક પણ પડી ગઈ હોવાથી તે પોલીસ મથકેથી સરકી ગયાની સંભાવના તેમણે દર્શાવી હતી અને આ કેસની તપાસ તેમની પાસે સાંજે આવી હોવાનું જણાવ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer