અબડાસા-મુંદરામાં ઓવરલોડ સામે આરટીઓની તવાઇ
ભુજ, તા.24 : જેને કોઈ ઋતુ કે દિવસ-રાત નડતા નથી તેવા ઓવરલોડનાં દૂષણ સામે આરટીઓ તંત્ર દ્વારા ફરી એક વખત વિશેષ ઝુંબેશ સ્વરૂપેઅબડાસા અને મુંદરામાં કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમ્યાન અબડાસા વિસ્તારમાંથી આઠ લાખ રૂપિયાનો અને મુંદરા વિસ્તારમાંથી છ લાખની દંડાત્મક વસૂલાત કરવામાં આવવાની સાથે કુલ 17 વાહન ડિટેઈન કરાતાં ફફડાટ ફેલાયો હતો. મુંદરામાં બે ટીમ ઉતારી કરાયેલી તપાસમાં 24 ચલણ જારી કરાયા હતા અને છ વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા. છ લાખની દંડાત્મક વસૂલાત કરાઈ હતી. એક તપાસ ટુકડીમાં એન. આર. નાદોડા, બી.પી. ઠાકોર અને પી.એમ. સોલંકી જયારે બીજી ટીમમાં એમ.વી. મામણિયા, જે. આઈ. પટેલ, જી. એસ. માળી જોડાયા હતા.મળતી વિગત મુજબ અબડાસા વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનો સામે રવિવારે હાથ ધરવામાં આવેલા મેરેથોન ચેકિંગ દરમ્યાન 11 વાહન ડિટેઈન કરવામાં આવ્યાં હતાં.આરટીઓ સી.ડી. પટેલની સૂચના અને માર્ગદર્શન સાથે હાથ ધરવામાં આવેલી આ તપાસ દરમ્યાન 43 જેટલાં ચલણ જારી કરવામાં આવ્યાં હતાં.આ સમગ્ર કાર્યવાહી થકી આશરે આઠ લાખ રૂપિયાની દંડાત્મક વસૂલાત કરવામાં આવી હતી.ઓવરલોડ વિરોધી તપાસ ઝુંબેશમાં અબડાસા પ્રાંત પ્રવીણસિંહ જેટવતના સહયોગ સાથે આરટીઓની ટુકડીના બી.પી. ઠાકોર જોડાયા હતા.દરમ્યાન, જખૌના જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રહીમાબાઇ આધમ કોરેજાએ નાયબ કલેક્ટર અને પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવીને જખૌમાં મીઠાં ઉદ્યોગનાઓવરલોડ વાહનોથી રસ્તા, ખેતીને નુકસાન તથા અકસ્માતો થઇ રહ્યા હોવાની રજૂઆત સાથે આ દૂષણ બંધ કરાવવા માગણી કરી હતી. રજૂઆત સમયે તેમની સાથે ગ્રામજનો જોડાયા હતા.