ચિત્રોડ - ધોળાવીરા સર્વે રિપોર્ટ રેલવે બોર્ડમાં મૂકવા તૈયારી

રાપર, તા. 24 : કચ્છમાં પ્રવાસી સુવિધા માટે અને માલ પરિવહનની સુવિધા વધારવા માટે રેલવે દ્વારા હાલ અબજો રૂપિયાના ખર્ચે કામ હાથ ધરાયા છે અને આગામી સમયમાં પણ એટલી જ રકમના કામ હાથ ધરવા માટેનો તખતો તૈયાર કરી લેવાયો છે. વિશ્વ ધરોહર ધોળાવીરાને રેલવે સુવિધા સાથે સાંકળવા માટે રેલવે દ્વારા સર્વે મંજુર કરાયો હતો અને આ દિશામાં આગળ કામગીરી ધપી રહી હોવાના અહેવાલો સાંપડયા હતા. બીજી બાજુ  નલિયા સુધી ગેજપરિવર્તનના કામનાં ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં છે ત્યારે આ  પ્રોજેકટની રકમનો ખર્ચ 400 કરોડને આંબે તેમ છે. તદઉપરાંત ભુજથી માંડવી સુધીની રેલવે લાઈન  ઉપર પણ કામગીરી ચાલતી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સાઈટ જારી કરાઈ છે. એ પછી રેલવે સુવિધાથી વંચિત રહેલાં રાપર શહેરને રેલવે સુવિધાથી જોડવા માટે ધોળાવીરા સુધી રેલવે લાઈન પાથરવા અંગે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થઈ હતી. દરમ્યાન વિશ્વ ધરોહર જાહેર થયા બાદ ધોળાવીરા સુધી લાઈન નાખવાની  દિશામાં  કામગીરી આગળ ધપી હતી. અગાઉ પાલનપુરથી અધિકારીઓ આવ્યા બાદ રેલવે મંત્રાલય દ્વારા ચિત્રોડ - ધોળાવીરા સુધીની લાઈન નાખવાની શકયતા ચકાસવા અંગે સર્વે. કરવા આદેશ અપાયો હતે. દરમ્યાન અંતરંગ વર્તુળો પાસેથી મળતી વિગતો મુજબ આ લાઈનનો ડીટેઈલ પ્રોજેકટ રિપોર્ટ રેલવે બોર્ડમાં મુકવાની પ્રક્રિયા ચાલુમાં છે અને થોડા સમયમાં જ રિપોર્ટ બોર્ડને મોકલી દેવામાં આવશે. જે રીતે કામગીરી આગળ ધપે છે તે જોતા વાગડનો વંચિત વિસ્તાર બહુ ટુંકા ગાળામાં રેલવે સેવાથી જોડાઈ જશે. કચ્છના દરિયાઈ વિસ્તારમાં મુન્દ્રા સુધી તો અદાણીની ખાનગી લાઈન છે. પરંતુ બંદરીય માંડવી શહેર રેલવે લાઈનનું સપનું દાયકાઓથી સેવી રહ્યું છે. એક તરફ રેલવે દ્વારા કચ્છમાં વંચિત છે તેવા વિસ્તારોને જોડવા માટેના પ્રયાસ આદર્યા છે પરંતુ ભુજથી માંડવી સુધી  રેલવે નેટવર્ક ઉભું કરવા અંગે પણ કામગીરી ચાલી રહી છે. આ અંગેનો ડીટેઈલ પ્રોજેકટ રિપોર્ટ બનાવવાની કામગીરી ચાલુમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ જોતા આગામી સમયમાં સરહદી કચ્છ જિલ્લો આખો રેલવે નેટવર્કથી જોડાઈ જશે.દરમ્યાન ભુજ નલિયા ગેજ રૂપાંતર પ્રોજેકટમાં દેશલપરથી નલિયા સુધી કામ આગળ ધપાવવા માટે રેલવે દ્વારા નાના પુલ, પાટાના જોડાણ સહિતની કામગીરી માટે 155 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં.  દરમ્યાન આગામી દિવસોમાં જ મોટા પુલ બનાવવા તેમજ સ્ટેશન ઈમારત સહિતના કામ માટે જુદા જુદા ટેન્ડરો બહાર પાડવામાં આવશે. 13 વર્ષના વિલંબના કારણે  ખર્ચનો અંદાજ પણ વધી ગયો છે.  ભુજથી નલિયા સુધીનો પ્રોજેકટ મંજુર થયો ત્યારે  300 કરોડના ખર્ચનો અંદાજ હતો.  જે હવે દેશલપરથી નલિયા સુધીનો જ ખર્ચ લગભગ 400 કરોડને આંબે તેમ છે. દરમ્યાન દેશલપર નલિયાના પ્રોજેકટનો ખર્ચ વધે તેમ હોવાથી ખર્ચ વધારાની દરખાસ્ત પણ બોર્ડમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત વાયોર સુધી   બ્રોડગેજ લંબાવવાની વાત છે મળતી વિગતો મુજબ ભુજ નલિયા વચ્ચે મીટરગેજ લાઈન હોવાના કારણે સરળતા રહેશે. પરંતુ નલિયાથી વાયોર સુધી લાઈન લઈ જવામાં રેલવેએ એકડેએકથી કરવું પડશે. આ માટે  મંજુરી માગવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો સાંપડયા હતા. કચ્છમાં બે મહાબંદરોના કારણે એકલા અમદાવાદ ડીવીઝનનનું 60 ટકા જેટલું માલ પરિવહન કચ્છ ક્ષેત્રમાંથી થાય છે અને કચ્છના કારણે સમગ્ર વેસ્ટર્ન રેલવે દેશભરમાં માલપરિવહન ક્ષેત્રે અગ્રેસર રહે છે. તાજેતરમાં જ દેશલપરથી પણ માલપરિવહન શરૂ થયું હતું. ત્યારે આગામી સમયમાં જયા રેલવે સુવિધા નથી તે વિસ્તારને જોડવા માટે આદરેલી કવાયતથી પ્રવાસી સુવિધાની સાથો સાથ માલ પરિવહનમાં કચ્છનું યોગદાન અનેકગણું વધશે. ઉદ્યોગોને પરિવહનમાં રાહત મળશે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer