ગરીબો માટેનું અનાજ શિણાયનાં ગોદામથી નીકળે પછી તેમાંથી માલ ચોરાઇ જવાની રાવ
ગાંધીધામ, તા. 24 : દીન દુ:ખિયાને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે સરકાર તમામ પ્રયત્ન કરતી હોય છે. પરંતુ આર્થિક રીતે નબળા લોકોને તેમને તેમના હક્કનું અનાજ પણ ન મળતું હોવાની અનેક ફરિયાદો છે. આવામાં આ તાલુકામાં સરકારી ગોદામમાંથી નીકળેલો ગરીબો માટેનો માલ આદિપુર જી.આઇ. ડી.સી.ના કોઇ ગોદામમાં પહોંચી જતો હોવાનું સપાટી ઉપર આવ્યું છે.ઉદ્યોગોથી ધમધમતા આ શહેર અને તાલુકામાં આર્થિક રીતે નબળા અનેક પરિવારો વસવાટ કરે છે. રોજનું કમાઇ અને રોજનું ખાનારા લોકો માટે વ્યાજબી ભાવની દુકાનો આશીર્વાદ સમાન છે. પરંતુ આવા લોકોને અનેક વખત આવી દુકાનોમાં ધરમના ધક્કા ખાવા પડતા હોય છે. અહીં અનેક લોકોના રાશનકાર્ડમાં ગેસ જોડાણ ચડાવી દેવામાં આવતું હોય છે. જેના કારણે દુકાનદાર તેમને કેરોસીનનો જથ્થો આપતા નથી. આ રાશનકાર્ડ ધારકો મામલતદાર કચેરીમાં જઇ ગેસ જોડાણ નથી તેવું જણાવી તે કોલમ કઢાવી આવતા હોય છે પરંતુ આવા લોકોને બે-ત્રણ મહિના સુધી કેરોસીનની ફાળવણી થતી નથી. આવું અગાઉ અનેક વખત બની ચુકયું છે. દર બે-ત્રણ મહિને લોકોને ગેસ જોડાણ નથી તેવું જણાવવા મામલતદાર કચેરીમાં જવું પડતું હોય છે. અમુક લોકોના રાશન કાર્ડમાંથી ઘરના સભ્યોના નામ નીકળી જતાં હોય છે. અને બોગસ રાશનકાર્ડમાં તેવાં નામ ચડી જતાં હોય છે. જેના કારણે સાચા લાભાર્થીને અનાજનો પુરતો જથ્થો મળતો નથી અને અમુક દુકાનદારો માલ હડપ કરી જતાં હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું. ગરીબો માટેની વ્યવસ્થામાં અનેક ખેલ પાડવામાં આવતા હોવાનું પણ ઉમેરવામાં આવ્યું હતું.વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો ઓનલાઇન પરમીટ માટે અરજી કરી ચુકવણું કરે એટલે શિણાય ખાતે આવેલા સરકારી ગોદામમાંથી તેમની દુકાન માટે માલ મોકલવામાં આવતો હોય છે.આવા દુકાનદારોને રેશનકાર્ડ મુજબ સરકારી ગોદામમાંથી જથ્થો ફાળવવામાં આવતો હોય છે. પરંતુ અનેક વખત પુરતો માલ ન આવતો હોવાની ફરિયાદો વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો કરતા હોય છે. ઓછા જથ્થાના કારણે અંતે રાશનકાર્ડ ધારકો સાથે તેમની માથાકુટ થતી હોય છે.સરકારી ગોદામથી વ્યાજબી ભાવની દુકાનો સુધી માલ પહોંચાડવાનો ઠેકો ખાનગી ઠેકેદારને સોંપવામાં આવ્યો છે. આ વાહનના ગેઇટ પાસ બને પછી જ વાહન બહાર નીકળતું હોય છે. આવા વાહનોમાં જી.પી. એસ. લાગેલા હોવાનું પુરવઠા ગોદામ મેનેજર કેયુરભાઇ શાહે જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી ગોદામથી નીકળતા વાહનોમાંથી અગાઉ મીઠી રોહરના એક ખાનગી ગોદામમાં માલ પહોંચતો હતો. હવે આ માલ આદિપુર જી.આઇ. ડી.સી.માં એક બંધ ચક્કીના ગોદામમાં પહોંચી રહ્યો છે. થોડીક ક્ષણો માટે ઉભા રહેતાં વાહનોમાંથી માલનું તુરંત કટીંગ કરી અન્ય વાહનમાં આ માલ શિફટ કરી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડી દેવામાં આવતો હોય છે અને બાદમાં આ સરકારી માલને અન્યત્ર વેંચી મારવામાં આવતો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.આ અંગે પુરવઠા ગોદામ મેનેજર શ્રી શાહને પુછતાં પોતે દોઢેક મહિનાથી આ પોસ્ટ ઉપર આવ્યા હોવાનું અને હાલે પોતે ગાંધીનગર ખાતે એક બેઠકમાં આવ્યા હોવાનું જણાવી ત્યાંથી પરત આવી આ અંગે તપાસ કરવા ઉમેર્યું હતું.થોડા સમય પહેલા માંડવી બાજુ સરકારી માલને સગેવગે કરવાનો બનાવ સપાટી ઉપર આવ્યો હતો. આ માલને પોલીસે પકડી પાડયો હતો. ત્યારે અહીં પણ પોલીસે લાલ આંખ કરી ગરીબોના પેટ ઉપર લાત મારતાં તત્વોને ખેંચીને બહાર લાવે તેવી માંગ લોકો કરી રહ્યાં છે.