પવનની ગતિ મંદ : મહત્તમ પારો ઊંચો

ભુજ તા. 24 : જિલ્લામાં સતત ત્રણ દિવસ સુસવાટા મારતો પવન ફુંકાયા બાદ પવનની ગતિ થોડી મંદ પડતાં જ મહતમ તાપમાન એકથી બે ડિગ્રી ઉંચકાતા બપોરના સમયે તાપનો પ્રભાવ વર્તાયો હતો. જોકે આગામી ચાર-પાંચ દિવસના ગાળામાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શકયતા હવામાન વિભાગે નકારી છે. સોમવારે પવનની ગતિ પ્રતિ કલાક 20થી 30 કિલોમીટરે પહોંચી ગયા બાદ મંગળવારે આ ઝડપ ઘટીને 8થી 1પ કિલોમીટરે પહોંચી ગઈ હતી. દરમિયાન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલા સકર્યુલેશનની અસરથી રાજયની સાથે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળે તેવું હવામાન નિષ્ણાતો દ્વારા જણાવાયું છે. કંડલા(એ)માં 39.2, ભુજમાં 38.4, કંડલા પોર્ટમાં 37.8 અને નલિયામાં 3પ.2 ડિગ્રી મહતમ તાપમાને બપોરના સમયે તાપની અનુભૂતિ થઈ હતી. બપોર સુધી પવનની ગતિ થોડી શાંત રહયા બાદ મોડી સાંજે ફરી એકવાર પવન ફુંકાવવાનું શરૂ થયું હતું. વાતાવરણમાં ભેજનું ઊંચું પ્રમાણ યથાવત રહેવા સાથે લઘુતમ પારો પણ સામાન્યથી થોડો વધુ રહેતા બફારા અને ઉકળાટે લોકોની અકળામણ વધારી હતી. સાયકલોનીક સર્કયુલેશનની અસર તળે રાજયના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સુન એકટીવીટીના ભાગરૂપે વરસાદી ઝાપટાં વરસે તેવી આગાહી કરાઈ છે. કચ્છમાં વરસાદ વરસવાની આગાહી તો નથી કરાઈ પણ વાતાવરણમાં નાટકિય પલ્ટો આવે તેવી શકયતાને હવામાન વિભાગ દ્વારા નકારવામાં આવી નહોતી. નોંધનિય છે કે છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન ફુંકાતા વાતાવરણ ધુળિયું અને ધુંધળું બની ગયું હતું. પવનની ગતિ થોડી ઘટતાં આ ધુંધળાશ ઘણી જ ઘટી ગઈ હતી. કચ્છમાં પણ પ્રી મોન્સુન એકટીવીટી વેગવાન બને તેવા એંધાણ વર્તાઈ રહયા છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer