અંજારની હોસ્પિટલમાં ઘૂસી 25 હજારનો હાથ મારતા તસ્કર
ગાંધીધામ, તા. 24 : અંજારના મોમાઈનગરમાં આવેલી એક હોસ્પિટલમાં ઘૂસી તસ્કરોએ તેમાંથી એ.સી.નું કમ્પ્રેસર, ખુરશી વગેરે મળીને કુલ રૂા. 25,000ની મત્તાની ચોરી કરી હતી. બીજી બાજુ ભચાઉના ખડીર પંથકના કલ્યાણપરમાં એક ખેતરમાંથી રૂા.20,000નો વાયર તફડાવી જવાયો હતો. અંજારની જૈન કોલોનીમાં રહેતા દિનેશ ચમનલાલ શાહે ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીની મોમાઈનગરમાં હોસ્પિટલ આવેલી છે. તેમની આ હોસ્પિટલમાં ગત તા. 22/5ના સાંજે 7.30થી તા. 23/5ના સવારે 7 વાગ્યા દરમ્યાન તસ્કરોએ કળા કરી હતી. આ દવાખાનામાં ઘૂસી નિશાચરોએ એ.સી.ના બે કમ્પ્રેશર, બે ખુરશી એમ કુલ રૂા. 25,000ની ચોરી કરી હતી. આ તત્ત્વોએ વિન્ડો એ.સી.માં નુકશાન પણ કર્યું હતું. ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. બીજી બાજુ કલ્યાણપરની સીમમાં આવેલા ટાકારિયા નામના ખેતરમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ ખેતરના બોર પાસે ખુલ્લામાં રાખવામાં આવેલો રૂા. 20,000નો 500 ફૂટ વાયર કોઈ શખ્સો ઉપાડી ગયા હતા. ગત તા. 6/5 થી 7/5 દરમ્યાન બનેલા આ બનાવ અંગે જનાણના શૈલેષ માના મહારાજ નામના યુવાને ખડીર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.