નાના દિનારામાં ગાયોનાં મોત બાદ પશુપાલન તંત્ર દોડતું થયું
ફઝલવાંઢ (તા. ભુજ), તા. 24 : નાના દિનારા-ફઝલવાંઢમાં ભેદી રોગથી 100થી વધુ ગાયનાં મોત થતાં પશુપાલન તંત્ર દોડતું થયું છે. પશુચિકિત્સકોની ટુકડીએ ગામમાં પડાવ નાખી રોગગ્રસ્ત ગાયોની સારવાર કરવા સાથે આ રોગથી બચવા માટે કેવા પ્રકારનાં પગલાં ભરી શકાય તેનાં સૂચનો આપ્યા હતા. ડો. ભાવેશ પ્રજાપતિ, ડો. કિરણ ચૌધરી અને નિખિલ શ્રીમાળીએ ગામના પશુપાલકો સાથે મિટિંગ કરી હતી.પ્રાથમિક તબક્કે ચામડીની ખરાબીથી રોગ ફેલાયાનું પશુચિકિત્સકોએ નિદાન કરી જો ગાય બીમાર થાય તો તેને અલગ બાંધવા, ઉપરાંત શરીર પર લાલ ચાંઠા પડવા સહિતના લક્ષણો દેખાય તો ત્વરિત સારવાર કરાવવાની સૂચના આપવામાં આવી હતી. ઉપસરપંચ ફઝલા અલીમામદ સમાએ પશુચિકિત્સકો સમક્ષ સ્થિતિનો ચિતાર રજૂ કરી તંત્ર દ્વારા જે કોઇપણ પગલાં ભરાશે તેમાં પશુપાલકો ચોક્કસથી સહયોગી બનશે તેવી ખાતરી આપી હતી.