સંગીતમય હાઉઝીનાં માધ્યમથી ગાંધીધામના કલાકારે કર્યો વિક્રમ

ગાંધીધામ, તા. 28 : અહીંના સંગીતકાર લય હેમાંશુભાઈ અંતાણીએ મ્યુઝિકલ હાઉઝીની રમતમાં એક સાથે 4500 જેટલા લોકોને જોડીને વર્લ્ડ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવીને સિદ્ધિ મેળવી હતી.કચ્છ ક્ષત્રિય સમાજ અને અખિલ ભારતીય મહિલા મહામંડળ દ્વારા મ્યુઝિકલ હાઉઝી કાર્યક્રમમાં સમાજના દેશ અને વિદેશના 4500 જેટલા લોકો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.લય અંતાણીએ આ રમત રમાડીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. શ્રીઅંતાણી છેલ્લા 3 વર્ષથી મ્યુઝિકલ હાઉઝીના પ્રકલ્પ તળે અમદાવાદ,વડોદરા, જૂનાગઢ,મુંબઈ, રાજકોટ, બેંગ્લોર, પુના, નંદુરબાર સહિતના દેશ -વિદેશમાં કાર્યક્રમ આપી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ સેમારો મ્યુઝિક કંપની યુ.એસ.એ. સાથે પણ ઓનલાઈન હાઉઝી રમાડી ચૂકયા છે. લોકડાઉનના સમયગાળામાં પણ તેમણે 300 જેટલા લોકોને ઘરે બેઠા-બેઠા આ રમત રમાડીને મનોરજંન પૂરું પાડયું હતું. પી.એન. અમરશી શાળાના સંગીત શિક્ષક તરીકે સેવા આપતા એવોર્ડ વિજેતા 600થી વધારે કાર્યક્રમ આપી ચૂકયા છે.