સિગ્નેચર સ્કેનિંગમાં વહેલું જ ધ્યાન રખાયું હોત તો ચકચારી પોસ્ટ કૌભાંડને વધુ વકરતાં રોકી શકાત
ભુજ, તા. 28 : સમગ્ર ડાક વિભાગને હચમચાવી નાખનારા રાવલવાડી પોસ્ટ ઓફિસના કરોડો રૂપિયાના કૌભાંડમાં સ્થાનિકે અને ગાંધીનગરથી સીબીઆઈ તપાસનો દોર જારી છે ત્યારે માહિતગાર વર્તુળોએ એવો આક્ષેપ કર્યો છે કે વર્ષો પહેલાં જ રાવલવાડી કચેરીમાં ઘણા બધા ખાતાંઓમાં સિગ્નેચર સ્કેનિંગ અંગે અને પછી ખાતાં માઈગ્રેટ કરતી વખતે યોગ્ય ધ્યાન રખાયું હોત અને સવેળા નક્કર કાર્યવાહી થઈ હોત તો આ કૌભાંડનું કદ આટલું મોટું અને ગંભીર ન હોત. બિનસત્તાવાર સૂત્રોએ એવો દાવો કર્યો છે કે આઠેક વર્ષ પહેલાં જ રાવલવાડીમાં ચારેક હજાર એકાઉન્ટમાં સિગ્નેચર સ્કેનિંગ થયું ન હોવાથી ચૂકવણું કરવામાં તકલીફ થતી હોવાની અને સ્કેનિંગ ન હોવાને લીધે ખોટું પેમેન્ટ થવાની શક્યતાને લઈને રજૂઆત કરાઈ હતી અને તત્કાલીન ઉચ્ચ અધિકારીએ સંલગ્ન અધિકારીને આ કાર્યવાહી પૂરી કરવા અને રિપોર્ટ આપવા સત્તાવાર સૂચના આપી હતી, પણ એ વખતે આવી કોઈ કાર્યવાહી કે નક્કર પગલાં લેવાયાં નહીં. જો લેવાયાં હોત તો સરકારી તિજોરીને અને ખાતેદારોને આટલું મોટું નુક્સાન થયું ન હોત સાથે જ પોસ્ટ વિભાગની છબી પણ ખરડાઈ ન હોત. સાથે જ આ ઓફિસને ઓફલાઈન પ્રોગ્રામ સંચય પોસ્ટમાંથી ઓનલાઈન પ્રોગ્રામ ફિનેકલમાં માઈગ્રેટ કરતી વખતે સંખ્યાબંધ ખાતાં અયોગ્ય રીતે માઈગ્રેટ કરાયાં છે અને આવાં ખાતાંમાં ભવિષ્યમાં પણ ગેરરીતિ થવાની ભીતિ છે. બેલેન્સ વેરિફિકેશનની કાર્યવાહી પણ સવાલો ખડા કરે તેવી છે. વાઉચરો ચકાસવા સહિતની આ બધી કામગીરી જે તે સમયે યોગ્ય રીતે થઈ હોત તો દસેક વર્ષ સુધી આચરાયેલો આ જબ્બર ગફલો વહેલો જ ઉજાગર થઈ ગયો હોત. સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે ડેટા એન્ટ્રી માટે પ્રાઈવેટ માણસો પણ રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં કૌભાંડની રકમ મોટાં માથાંઓ સુધી પહોંચી હોવાનાય આક્ષેપ ઊઠી રહ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર સિટી પોસ્ટ ઓફિસમાંથી અમુક ખાતાં રાવલવાડીમાં અને અમુક વડી કચેરીમાં ટ્રાન્સફર કરાયાં હતાં, એટલે ઘણા ખાતાંના કાર્ડ પણ ખોવાઈ ગયા હતા અને સિગ્નેચર સ્કેનિંગના ઉપકરણ પણ ખોટકાયેલા મળ્યા હતા.દરમ્યાન, આ સંદર્ભમાં ડાક અધીક્ષક કે.એમ. દેસાઈનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તમે કહો છો તે મુજબ આ બહુ જૂની વાત છે પણ મારા ધ્યાનમાં આવું કંઈ આવ્યું નથી. બાકી રાવલવાડી પોસ્ટ ઓફિસમાં ગરબડોનો કિસ્સો બહાર આવ્યા બાદ ખાતાંઓની શતપ્રતિશત ખરાઈ માટે ખાસ ટીમ જ બનાવાઈ છે, ખાતાંઓની માઈગ્રેટની કામગીરીમાં ક્યાંક કચાશ રહી ગઈ હોય તો એ દૂર કરવા માટેની કવાયતો પણ ચાલુ છે અને વેરિફિકેશનની કાર્યવાહી લગભગ પૂર્ણ થવામાં છે.