મીઠીરોહર પાસેથી આઠ લાખની ટ્રોલી ચોરનાર શખ્સ ઝડપાયો
ગાંધીધામ, તા. 28 : તાલુકાના મીઠીરોહર નજીક ટાટાના શોરૂમ બહારથી રૂા. 4 લાખની ટ્રેઈલરની ટ્રોલીની ચોરી થઈ હતી. આ બનાવમાં પોલીસે તપાસ કરી એક શખ્સને પકડી પાડયો હતો અને તેની પાસેથી આ ટ્રોલી જપ્ત કરવામાં આવી હતી.મહારાષ્ટ્રના નાસિકથી શિવપાલરામ હીરારામ ચૌધરી નામનો યુવાન લોખંડના સળિયા ભરી કંડલા બંદરે આવ્યો હતો. માલ ખાલી કર્યા બાદ તે મીઠીરોહર નજીક એ.વી.જોશી કંપનીની બાજુમાં આવેલા ટાટાના શોરૂમ ઉપર ગયો હતો. ટ્રેઈલર નંબર જીજે 12 બીએકસ 3390માં મરમંત કરાવવાની હોવાથી તેણે ટ્રેઈલરની કેબિન (હોર્ષ) શોરૂમમાં આપી હતી અને ટ્રેઈલરની ટ્રોલી શોરૂમની બહાર પડી હતી. રાત્રિ દરમ્યાન આ ટ્રોલીની કોઈ શખ્સોએ ચોરી કરી હતી. ગત તા. 20 અને 21ની રાત્રિ દરમ્યાન બનેલા આ બનાવ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની તપાસ હાથ ધરી હતી.જિલ્લાના ટોલનાકા ઉપર લાગેલા સીસીટીવીથી બચવા તસ્કરોએ આ ટ્રોલીની ચોરી કરી પોતાની કેબિન (હોર્ષ)માં આ ટ્રોલી જોડી દઈ બાદમાં ભચાઉ, રાપર, આડેસર, સુઈગામ, થરાદ, સાંચોર સુધી ચોર રસ્તેથી નીકળી ગયા હતા, પરંતુ રાજસ્થાનના એક ટોલ નાકા અંદરથી પસાર થતાં આ શખ્સના વાહન નંબર મળતાં તેના માલિકનો પતો લગાવાયો હતો અને ચુનારામ અચલારામ કોઈને પકડી પાડવામાં આવ્યો હતો. તેઓએ ચોરીની આ ટ્રોલી બાડમેર રાજસ્થાનમાં છુપાવી હતી. ત્યાંથી આ ટ્રોલી પણ કબ્જે લેવામાં આવી હતી. આ પ્રકરણમાં પરસારામ મગારામ નામનો શખ્સ હજુ પકડમાં આવ્યો નથી. તેને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા શખ્સ પાસેથી ચોરીમાં ગયેલી રૂા. 4 લાખની ટ્રોલી તથા જીજે 12 બીડબલ્યુ 1598ની કેબિન, મોબાઈલ વગેરે મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.