આદિપુરમાં બનેલા ચોરીના બે બનાવનો ઉકેલાયેલો ભેદ

ગાંધીધામ, તા. 21 : આદિપુરના નવા બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં બંધ ઘરમાંથી મોબાઇલ તથા રોકડ રકમ અને મણિનગર વિસ્તારમાંથી બાઇક ચોરીના ગુનાનો ભેદ એલ.સી.બી.એ ઉકેલી લીધો હતો તથા બે શખ્સની અટક કરી હતી.પૂર્વ કચ્છ એલ.સી.બી.એ આદિપુરના કનૈયા ઉર્ફે અઠ્ઠો ઉર્ફે બંદુકડી ધનરાજ ગઢવી તથા મોહમ્મદ રફીક અનવર કરીમ લાડકા નામના શખ્સને પકડી પાડયા હતા. આ બંને શખ્સ આદિપુરમાં વીજ કચેરી સામેના ભાગે બાઇક સાથે ઊભા હતા ત્યારે બંનેને પકડી લેવામાં આવ્યા હતા.નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા વિસ્તારમાં રહેતા શ્રુતિબેન રમેશ પરમાર ઘરે એકલા હતા ત્યારે તેમના ઓશીકા નીચેથી મોબાઇલ ચોરી જવાયો હતો તથા ચાવી ઉપાડી નીચેનો રૂમ ખોલી કબાટમાંથી રોકડા રૂા. 18,000 તફડાવી જવાયા હતા. ચોરીના આ બનાવને આ બંને શખ્સે અંજામ આપ્યો હોવાનું પોલીસ પૂછપરછ?દરમ્યાન બહાર આવ્યું હતું. અંજારમાં રહેનારો જિજ્ઞેશ સુરેશ મંગે (ભાનુશાળી) નામનો યુવાન પોતાના મિત્રના ઘરે આદિપુર મણિનગર આવ્યો હતો જ્યાં બંને મિત્રો રાત્રે સૂઇ ગયા હતા અને સવારે ઊઠીને સંઘડ જવાના હતા, પરંતુ આ ઘર બહાર પાર્ક કરાયેલું બાઇક નંબર જી.જે. 12 ડી.ક્યુ. 7055ચોરી થઇ ગયું હોવાનું બહાર આવ્યું હતું. આ બાઇકની ચોરી પણ આ પકડાયેલા શખ્સોએ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ શખ્સો પાસેથી ચોરીમાં ગયેલો મોબાઇલ તથા અન્ય બે મોબાઇલ, રોકડ રૂા. 4000 તથા બાઇક નંબર જી.જે. 12 ડી.ક્યુ. 7055વાળું જપ્ત કરવામાં આવ્યું હતું તેમજ આ શખ્સો અન્ય કોઇ બનાવમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.