ચેમ્પિયન ઓસાકા ઓસી ઓપનમાંથી આઉટ
મેલબોર્ન, તા. 21 : વર્ષ 2021ની ચેમ્પિયન જાપાની ખેલાડી અને પૂર્વ નંબર વન નાઓમી ઓસાકા ત્રીજા રાઉન્ડમાં હારીને વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઇ ગઇ છે. આજે રમાયેલા મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં ઓસાકા સામે 20 વર્ષીય અમેરિકી ખેલાડી 60મા ક્રમની આમંડા અનિસીમોવનો ત્રણ સેટની રસાકસી બાદ 4-6, 6-3 અને 7-6થી શાનદાર વિજય થયો છે. ઓસાકા ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ બે વખત જીતી ચૂકી છે, પણ આ વખતે તેની સફર ત્રીજા રાઉન્ડના અંતે સમાપ્ત થઇ છે. બીજી તરફ નંબર વન એશ્લે બાર્ટી ચોથા રાઉન્ડમાં આગેકૂચ કરી ચૂકી છે.આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓપનની બે વખતની પૂર્વ વિજેતા વિકટોરિયા અજારેંકાનો 1પ ક્રમની ખેલાડી ઇલિના સ્વિતોલિના સામે બે સીધા સેટમાં 6-0 અને 6-2થી જીત મેળવીને ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. અજારેંકા હવે ક્રેસીકોવા સામે ટકરાશે. તેણીએ યેલેના એસ્ટાપેંકોને 2-6, 6-4 અને 6-4થી હાર આપી હતી. અન્ય મેચમાં પાંચમા નંબરની ખેલાડી મારિયા સકારી વધુ એક જીત સાથે ચોથા રાઉન્ડમાં પહોંચી છે.પુરુષ વિભાગમાં 20 વખતનો ગ્રાંડસ્લેમ વિજેતા સ્પેનનો સ્ટાર રાફેલ નડાલ આજે રૂસી ખેલાડી ખાચાનોવ સામે 6-3, 6-2, 3-6 અને 6-1થી જીત મેળવીને ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. જયારે જર્મનીનો યુવા ખેલાડી અને ત્રીજા ક્રમનો ખેલાડી એલેકઝાંડર જેવરેવ આર. આલ્બોટને 6-3, 6-4 અને 6-4થી હાર આપીને ચોથા રાઉન્ડમાં પહોંચ્યો છે.