કોરોના સંક્રમણ-સ્વચ્છતા અભિયાન જેવી ડાહી વાતોનો ડીપીટીમાં ઊડી ગયો છેદ
ગાંધીધામ, તા. 21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલાં સ્વચ્છતાના સૂત્રને સાર્થક કરવા અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ સહિતના સરકારી કાર્યાલયો સ્વચ્છતા સપ્તાહ કે પખવાડિયું ઊજવીને સતસવીર સમાચારો પ્રસિદ્ધ કરાવતા રહ્યા છે. આમ છતાં રોજિંદી જરૂરી સફાઇ ઉપર ક્યારેય ધ્યાન અપાતું નથી. તેમાંય અત્યારે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ છે છતાંય ડીપીટીના સિવિલ વિભાગના ખુદના બબ્બે શૌચાલયો દિવસોથી ઉભરાતાં હોવાથી આશ્ચર્ય પ્રસર્યું છે.ડીપીટીના અધિકારીઓના રહેણાક મકાનોમાં નાના-મોટા કામો અર્થે ખડેપગે રહેતો સિવિલ વિભાગનો સ્ટાફ આશ્ચર્ય વચ્ચે પોતાના જ કાર્યાલયના શૌચાલયો સાફ ન કરાવી શકે તે માની શકાય તેમ નથી. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉત્પન્ન આ સમસ્યા અંગે બેથી ત્રણ વખત જવાબદારોનું ધ્યાન દોરવા છતાંય કોઇ ફરક પડયો નહોતો.આજે સવારે કામદાર સંગઠનના પ્રતિનિધિઓ, લેબર ટ્રસ્ટી વગેરેનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. મોડેથી ડીપીટી અધ્યક્ષ એસ.કે. મહેતા તથા ઉપાધ્યક્ષ નંદીશ શુક્લા સમક્ષ પણ રજૂઆત કરાઇ?હતી. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો જે વિભાગ સામે વારંવાર થતા આવ્યા છે, તે સિવિલ વિભાગના અધિકારીઓ ટસના મસ નહીં થતાં સમગ્ર કર્મચારીઓમાં ચકચાર પ્રસરી હતી. ડીપીટી અધ્યક્ષે તત્કાળ નાયબ મુખ્ય ઇજનેરને સૂચના આપતાં આજે બપોર બાદ શૌચાલયનું ચોકઅપ ખોલવા કર્મચારીઓ ડોકાયા હતા. કામ શરૂ થતાં છેલ્લા ચારેક દિવસથી દુર્ગંધ સહન કરતા સિવિલ વિભાગના કર્મચારીઓમાં રાહત પ્રસરી હતી.