બાર કિલો ચરસ સાથે બે ઝડપાયા, ત્રણ ફરાર

બાર કિલો ચરસ સાથે બે ઝડપાયા, ત્રણ ફરાર
ભુજ, તા. 30 : અબડાસા અને લખપત સહિતના નિર્જન સાગરકાંઠે મધદરિયેથી તણાઇ આવતા ચરસના પેકેટ હસ્તગત કરાયા બાદ તેની ગેરકાયદે વેચસાટ બાબતના વધુ એક કારસાની જાળ પશ્ચિમ કચ્છ પોલીસે ભેદવામાં સફળતા મેળવી છે. આ ઘટનામાં બાર કિલો અને 150 ગ્રામ ચરસ સાથે અબડાસાના સુથરી ગામના મુસ્તાક અલીમામદ સુમરા અને ભાચુંડા વાડી વિસ્તારના મામદ હુશેન સમાની ધરપકડ કરાઇ છે. જયારે મુખ્ય સપ્લાયર સહિતના અન્ય ત્રણ તહોમતદારો હજુ કાયદાના હાથમાં આવ્યા નથી. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભુજમાં પહેલા એરપોર્ટ રીંગરોડ ખારીનદી ચાર રસ્તા નજીક દરોડો પાડી મામદ હુશેન સમાને રૂા. 7,27,500ની કિંમતના ચાર કિલો અને 850 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી પાડયો હતો. આ પછી આ ઇસમ પાસેથી મળેલી કડિઓના આધારે સુથરી ધસી જઇને મુસ્તાક અલીમામદ સુમરાને રૂા. 10.95 લાખની કિંમતના  સાત કિલો 300 ગ્રામ ચરસના જથ્થા સાથે દબોચી લેવાયો હતો.પોલીસદળે જારી કરેલી વિગતો મુજબ પકડાયેલા બન્ને આરોપીની પૂછતાછમાં એવી વિગતો બહાર આવી છે કે સુથરી ગામના વિજય સીધીક કોળી પાસેથી આ સમગ્ર જથ્થો આવ્યો છે. તો આ હેરાફેરીમાં સુથરીના કાસમ અલીમામદ સુમરા અને આમદ ઉર્ફે અધાયો ઉર્ફે ફન્ટી સીધીક મંધરાની પણ ભૂમિકા હોવાનું સપાટીએ આવ્યું છે. એસ.ઓ.જી. દ્વારા પકડાયેલા બે ઇસમ અને ન પકડાયેલા ત્રણ જણ સહિત તમામ પાંચ આરોપી સામે ભુજ એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.આ સમગ્ર પ્રકરણમાં રૂા. 18,22,500ની કિંમતનો બાર કિલો અને 150 ગ્રામ ચરસ ઉપરાંત રૂા. 25 હજારની મોટર સાઇકલ, રૂા. 2500ના બે મોબાઇલ ફોન અને રોકડા રૂા. 210 મળી કુલ્લ રૂા. 18,50,210ની માલમતા કબ્જે કરાઇ હતી.પોલીસ સાધનોએ આપેલી વધુ માહિતી મુજબ ધરપકડ કરાયેલા બન્ને આરોપીની સઘન પૂછતાછ અવિરત રખાઇ છે. તેમની પાસેથી કડિબદ્ધ વિગતો મેળવાઇ રહી છે. તો તેમના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ પણ હાથ ધરાઇ છે. આરોપીઓ પૈકીના મુસ્તાક સુમરા, કાસમ સુમરા અને આમદ ઉર્ફે અધાયો સામે જખૌ પોલીસ મથકમાં અગાઉ ચોરી સબંધી ત્રણ ગુના અને વાયોર પોલીસમાં એક ગુનો નોંધાઇ ચૂકયા છે.આ પ્રકરણમાં ચરસના જથ્થાની ડિલિવરી વિજય કોળી અને તેના મારફતે કાસમ સુમરા અને આમદ ઉર્ફે અધાયા દ્વારા થઇ છે અને આ ત્રણેય આરોપી હજુ હાથમાં આવ્યા નથી. તેઓ પકડાયા બાદ વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે. હાલતુરત ચરસનો જથ્થો સાગરકાંઠે તણાઇ આવ્યા બાદ બિનવારસુ મળ્યા પછી રૂપિયા કમાઇ લેવાનો કારસો હોવાનું અનુમાન તપાસનીશો કરી રહયા છે. આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ પકડાઇ ચૂકી હોવાથી પોલીસે આ બાબતને કેન્દ્રમાં રાખી આગળના કાયદાકીય પગલા જારી રાખ્યા છે.પોલીસદળની સરહદ રેન્જના વડા મહાનિરિક્ષક જે.આર. મોથાલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન સુચના તળે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ મદનાસિંહ લાલુભા જાડેજાને મળેલી બાતમીના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ક્રાઇમ અગેઇન્સ વુમન સેલ ભુજના ઇન્સ્પેકટર પી.એમ. ચૌધરી, ઓપરેશન ગ્રુપના કાર્યકારી ઇન્સ્પેકટર એ.આર. ઝાલા અને તેમના સ્ટાફના ઘનશ્યામાસિંહ જાડેજા, વિજયાસિંહ યાદવ, મદનાસિંહ જાડેજા, અશ્વિન સોલંકી, ચેતનાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ ઝાલા, સુનિલ પરમાર, રઝાક સોતા, ગોપાલ ગઢવી, ધર્મેન્દ્રાસિંહ ગોહિલ, મહિપતાસિંહ સોલંકી વગેરે જોડાયા હતા. દરમ્યાન, આજે સાંજે પોલીસ દળના વડામથકના નાયબ પોલીસ અધિક્ષક ડી.એન. દેસાઈએ પત્રકારો સાથે વાતચીત કરતાં કેસના વિવિધ પાસાની વિગતો આપી હતી. 

Crime

© 2022 Saurashtra Trust