ખોટીપો થતાં મરંમત માટે ટ્રક નીચે ઘૂસેલા ચાલકનું એ જ વાહન તળે ચગદાઇ જવાથી તત્કાળ મૃત્યુ

ખોટીપો થતાં મરંમત માટે ટ્રક નીચે ઘૂસેલા ચાલકનું એ જ વાહન તળે ચગદાઇ જવાથી તત્કાળ મૃત્યુ
ભુજ, તા. 30 : પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની હદના ભુજ અને ગઢશીશા (માંડવી) વિસ્તારમાં માર્ગ અકસ્માતના જુદાજુદા ત્રણ બનાવમાં બે યુવાન અને અને એક વૃદ્ધ કાળનો કોળિયો બની ગયા હતા. ભુજ-માંડવી ધોરીમાર્ગ ઉપર ભારાસર ગામના પાટિયા પાસે ટ્રકમાં ખોટીપો સર્જાતા તપાસણી માટે ઉતર્યા બાદ અકસ્માતે તે જ ટ્રક પાછળ હટતા ચગદાઇ જવાથી હજુ માત્ર ચાર દિવસ પહેલા જેના લગ્ન નકકી થયા હતા અને બે મહિના પછી લગ્ન યોજાવાના હતા તેવા નાની વિરાણી ગામના નારાણ હભુ રબારી (ઉ.વ.28)નું મૃત્યુ થવાની કરૂણ ઘટના બની હતી.  પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ-માંડવી વચ્ચેના ધોરીમાર્ગ ઉપર ગત મોડીરાત્રે વિચિત્ર અને કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં વિરાણી નાની ગામના નારાણ હભુ રબારી નામના યુવકને મોત આંબી ગયું હતું. આ હતભાગી તેના કબ્જાની ટ્રક ચલાવીને જઇ રહયો હતો ત્યારે ટ્રકમાં ખોટિપો થતા તપાસણી માટે તે નીચે ઉતરી ટ્રકની નીચે ઘુસ્યો હતો. આ સમયે અચાનક ટ્રક રિવર્સમાં આવવા લાગતા યુવાન તેના તળે ચગદાઇ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજયું હતું. મરનાર યુવાનના હજુ ચાર દિવસ પહેલા જ લગ્ન નકકી થયા હતા. રામપર (રોહા) ગામની કન્યા સાથે તેના આગામી ફેબ્રુઆરી મહિનામાં લગ્ન યોજાવાના હતા આ દરમ્યાન તેને અકસ્માતમાં કાળ આંબી ગયો હતો. બીજીબાજુ અમારા ગઢશીશાના પ્રતિનિધિ જીજ્ઞેશ આચાર્યએ પોલીસને ટાંકીને આપેલા અહેવાલ મુજબ માંડવી વિસ્તારમાં આજે સવારે બનેલી પ્રાણઘાતક માર્ગ અકસ્માતની જુદીજુદી બે ઘટનામાં આદિવાસી ખેતમજુર યુવાન મહેશ કંચન નાયકા (રે.મેરાઉ) તથા રાજપર ગામના રામજીભાઇ વિશ્રામ પરમાર (ઉ.વ.65)ની જીવનયાત્રા સંપન્ન થઇ હતી. આ ઘટનામાં નાની વિરાણીના દિનેશ વિશ્રામ પોકારને ઇજાઓ થતા તેને સારવાર તળે રખાયા છે. પોલીસમાં નોંધાયેલી આ સબંધી વિગતો મુજબ ડોણ ગામ અને ડોણ પાટિયા વચ્ચે આજે સવારે પોતાના પરિવારના સભ્યો સાથે એકટિવા સ્કુટર ઉપર જઇ રહેલા મહેશ નાયકાનું આ દ્વીચક્રી જી.જે.12-એ.એમ.-9912 નંબરના જે.સી.બી. તળે આવી ગયું હતું. ગંભીર ઇજાઓ થવાથી હતભાગી મહેશએ સ્થળ ઉપર જ દમ તોડયો હતો. અકસ્માત બાબતે જે.સી.બી.ના ચાલક સામે ગુનો દાખલ કરાયો હતો. yજયારે વિરાણી નાની ગામ અને ગામના પાટિયા વચ્ચે પણ આજે સવારે જ બે બાઇકની સામસામી ટકકરથી જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ કિસ્સામાં એક બાઇકના ચાલક રામજીભાઇ પરમારને ગંભીર ઇજાઓ થતા તેમનું તત્કાળ મૃત્યુ થયું હતું. જયારે સામેના વાહનના ચાલક દિનેશ પોકારને ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. ગઢશીશા પોલીસ મથકે આ બન્ને કિસ્સા નોંધાયા બાદ કાર્યકારી ઇન્સ્પેકટર વી.એચ.ઝાલાએ તપાસ હાથ ધરી હોવાનું પોલીસે ઉમેર્યું હતું.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer