ભુજવાસીઓની સમસ્યા વધારતો વધુ એક કારસો આવ્યો પ્રકાશમાં

ભુજવાસીઓની સમસ્યા વધારતો વધુ એક કારસો આવ્યો પ્રકાશમાં
ભુજ, તા. 30 : શહેરમાં ઊભરાતી ગટર માટે કારણભૂત ફોલ્ટ મળી જતાં સમસ્યા હલ થઈ હતી. જો કે, ચેમ્બરમાંથી ફરી રેતીની ગૂણી તેમજ સિમેન્ટના બ્લોક-પત્થર નીકળતાં આ પ્રશ્ન માનવસર્જિત હોવાનું સામે આવ્યું હતું. ભુજના ગામતળમાં ઊભરાતી ગટરનું મૂળ શોધવા સુધરાઈની ટીમ છેલ્લા 20 દિવસથી મહેનત કરી રહી હતી. પરંતુ સફળતા મળતી નહોતી. છેલ્લા બે દિવસથી કારોબારી ચેરમેન જગત વ્યાસના માર્ગદર્શન હેઠળ શોધખોળના અંતે કુંભારવાળા તાબૂતથી મેમણ જમાત ખાના તરફ જતા જૂના માર્ગે ગટરની બે ચેમ્બરમાં રેતીની થેલીઓ-સિમેન્ટના બ્લોક અને પત્થરથી લાઈન અવરોધાઈ હોવાનું જણાતાં બે પાઈપ બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી.આ અંગે શ્રી વ્યાસનો સંપર્ક સાધતાં જણાવ્યું કે, સુધરાઈના વહિવટને ખોરવવાનું આ વ્યવસ્થિત ઢબનું કાવતરું હતું. હાલમાં કોટ અંદરના વિસ્તારમાં ગટરના પાણી ઊભરાવાનું બંધ થયા છે. સુધરાઈ અધ્યક્ષ ઘનશ્યામ ઠકકરે જણાવ્યું કે, વિઘ્નસંતોષીઓ દ્વારા લાઈનને અવરોધવામાં આવી હતી. વારંવાર બનતા આવા બનાવો સામે રોષ વ્યકત કરતાં શ્રી ઠકકરે જણાવ્યું હતું કે, શહેરીજનોની સમસ્યામાં વધારો કરતા અને સુધરાઈનો વહિવટ ખોરવવાના આવા પ્રયાસો હવે સાંખી નહીં લેવાય. 

Crime

© 2022 Saurashtra Trust