મોટા દબાણકારોને છાવરવા અને નાના ધંધાર્થીઓને પરેશાન કરવા અયોગ્ય

મોટા દબાણકારોને છાવરવા અને નાના ધંધાર્થીઓને પરેશાન કરવા અયોગ્ય
જિજ્ઞેશ આચાર્ય દ્વારા - ગઢશીશા (તા. માંડવી), તા. 30 : રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફૂટપાથ લોકોને ચાલવા માટે છે... તમામ લારીઓ હટાવી લેવી જોઇએ... જેવા વિવાદાસ્પદ નિવેદનનો કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આંતરિક વિરોધ જોવા મળ્યો છે. જો કે સત્તાપક્ષના મંત્રીનાં આવાં નિવેદન સામે કોઇ જાગૃત નાગરિક કે નાના-નાના ધંધાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા કોઇ વ્યક્તિ જાહેરમાં પોતાનું નામ આપી વિરોધ દર્શાવવા સમર્થ નથી થતા પરંતુ વિવાદ તો છે જ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ ફૂટપાથ જ નથી. માત્ર જાહેર ચોક કે જાહેર જગ્યાઓ આવેલી હોય છે અને વિકસતા જતા ગામડાને કારણે અહીં નાના-મોટા ખાણી-પીણી, શાકભાજી કે અન્ય ધંધાર્થીઓની સંખ્યા પણ વધે છે. જે કોઇને કનડગતરૂપ નથી હોતા તે પણ સ્પષ્ટ છે. તો એવા સૂર પણ લોકોમાંથી આવે છે કે નાના-મોટા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ખુદ સરપંચ અને પંચાયતના પદાધિકારીઓ પણ દબાણકાર હોય છે, તો એમના પર કાયદાનું શત્ર કોણ ઉગામશે ? એવા પ્રશ્નો સામે આવ્યા છે. અહીં ગઢશીશા ગામના અમુક જાગૃત નાગરિકોના નિવેદન લેતાં તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય વીનેશભાઇ ગોસ્વામીએ એવું જણાવ્યું છે કે સરકારના મંત્રીઓ જાહેરમાં આવાં વિવાદાસ્પદ નિવેદનો આપી પછી ફેરવી તોડે છે. આ નિવેદનમાં અસંમતિ દર્શાવી નાના ધંધાર્થીઓ જો નડતરરૂપ ન હોય તો તેઓને પરેશાન કરવા યોગ્ય નથી. પ્રદૂષણ રોકવું એ ગ્રામ પંચાયત કે નગરપાલિકાની જવાબદારી પણ બને છે. રાજેશભાઇ (સુરેશભાઇ) વાસાણીએ પણ આવાં નિવેદનનો વિરોધ કરી નડતરરૂપ ન હોય તેવા નાના ધંધાર્થીઓને ધંધો કરવા છૂટ આપવાનું જણાવી અને ખરેખર સરકારી જમીન પર મોટા દબાણકારોને છાવરવા નાના દબાણકારોને આવી રીતે પરેશાન કરવા અયોગ્ય ગણાવ્યું હતું. રઝાક હાજી દાઉદ રાયમા દ્વારા પણ નડતરરૂપ દબાણનો વિરોધ કરી કોઇ સરકારી જમીન કે જગ્યાને નડતરરૂપ દબાણનો વિરોધ કર્યો હતો પરંતુ નાના ધંધાર્થીઓને પરેશાન ન કરાય તેવું ઉમેર્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust