કોટડા (જ)ના બનાવના વિરોધમાં નખત્રાણામાં મૌન રેલી સાથે ત્વરિત પગલાં માટે રજૂઆત

કોટડા (જ)ના બનાવના વિરોધમાં નખત્રાણામાં મૌન રેલી સાથે ત્વરિત પગલાં માટે રજૂઆત
નખત્રાણા, તા. 30 : તાલુકાના કોટડા (જડોદર) ગામે ગત ગુરુવારે રાત્રે લગ્નપ્રસંગે  પાટીદાર યુવાન પર કુહાડી દ્વારા જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાના બનેલા બનાવના પ્રત્યાઘાત અનુસંધાને આજે સવારે નગરના  બેરુ નાકા પાસેના બજરંગ ગ્રાઉન્ડ ખાતેથી સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા મૌન રેલી નીકળી હતી. જેમાં નગર સહિત તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી હિન્દુ સમાજના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સાધુ-સંતો, મહંતો તેમજ મહિલાઓ જોડાયા હતા. મૌન રેલીના આયોજન અગાઉ બજરંગ ગ્રાઉન્ડ સવારથી જ ગ્રાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ધીરેધીરે લોકો  એકત્રિત થયા હતા. 11 કલાકે મૌન રેલી નીકળી હતી, જે પ્રાંત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચી હતી. જ્યાં આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. દરમ્યાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પ્રાંત કચેરીથી બસ સ્ટેશન સુધી વાહનવ્યવહાર થોડાક સમય માટે થંભાવી દેવામાં આવ્યો હતો. આવેદનપત્ર મુખ્યમંત્રી, ગૃહમંત્રી ગુજરાત સરકાર તેમજ પ્રધાનમંત્રી, કેન્દ્ર સરકાર ગૃહમંત્રી, કેન્દ્ર સરકાર નવી દિલ્હી તેમજ સંલગ્ન અધિકારીને સંબોધીને અપાયું હતું. ગ્રામજનોએ  આરોપીઓને સખત સજા કરી તંત્ર ધાક બેસાડતી કાર્યવાહી કરે તેવી સમસ્ત હિન્દુ સમાજ વતી આ માગણી કરવામાં આવી હતી. તો હુમલાના બચાવ અને પ્રતિક્રિયામાં ઘટેલી ઘટનામાં   આકરી કલમો લગાડી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ પણ કરાયો હતો. પોલીસ પણ સમાજને વધુ ભયભીત કરતી હોય તેવું વાતાવરણ બન્યું છે તેવા આક્ષેપ સાથે લાગણી વ્યકત કરવામાં આવી છે. અગાઉ નગરના વેપારીઓ પોતાની દુકાનો બપોર સુધી બંધ રાખી રેલીમાં જોડાયા હતા. તો કોટડા જ. ગામે સજ્જડ બંધ પાળ્યો હતો. વિભાગીય પોલીસ અધિકારી વી. એન. યાદવના માર્ગદર્શન હેઠળ પી.આઇ. બી.એમ. ચૌધરી, વિવિધ પોલીસ અધિકારીઓ, એસઆરપી જવાનો, પોલીસ, મહિલા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મામલતદાર ભરતભાઇ દરજી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત લોકો સમક્ષ આવેદનપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust