આઇપીએલ-2022ની આઠ ટીમના જળવાઇ રહેલા ખેલાડી જાહેર

નવી દિલ્હી, તા.30: આઇપીએલ-2022ની સિઝન પૂર્વે તમામ જૂની આઠ ફ્રેંચાઇઝીએ તેના રિટેન ખેલાડીઓની સૂચિ જાહેર કરી દીધી છે. આજે રિટેન ખેલાડી જાહેર કરવાની આખરી તિથિ હતી. જે અનુસાર વર્તમાન ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સે કપ્તાન મહેન્દ્રસિંહ ધોની, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, યુવા ઋતુરાજ ગાયકવાડ અને વિદેશી ખેલાડી તરીકે મોઇન અલીને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આથી એ નિશ્ચિત બન્યું છે કે ધોની આઇપીએલની આગામી સિઝનમાં પણ રમતો જોવા મળશે. નવી બે ટીમ અમદાવાદ અને લખનઉને 2પ ડિસેમ્બર સુધીમાં ત્રણ ખેલાડીને પસંદ કરવાની તક મળશે. આ પછી જાન્યુઆરીમાં આઇપીએલનું મેગા ઓક્શન થશે. રિપોર્ટ અનુસાર લખનઉ ફ્રેંચાઇઝીએ કેએલ રાહુલને 20 કરોડના કરારની ઓફર કરી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી, મોહમ્મદ સિરાઝ અને ગ્લેન મેકસવેલને જાળવી રાખ્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સે આંદ્રે રસેલ, સુનીલ નારાયણ, વૈંકટેશ અય્યર અને વરુણ ચક્રવર્તીને રિટેન કરવાનો નિર્ણય લીધાના પ્રાથમિક રિપોર્ટ છે. જયારે પાંચ વખતની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને વિદેશી ખેલાડી તરીકે અનુભવી કિરોન પોલાર્ડ પર પસંદગી ઉતારી છે. મુંબઇ ઇન્ડિયન્સે ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને યુવા ઇશાન કિશનને રિટેન નહીં કરવાનો આકરો નિર્ણય લીધો છે.  એવું પણ સામે આવ્યું છે કે સનરાઇઝર્સ હૈદરાબાદે ફકત કેન વિલિયમ્સનને જ રિટેન કર્યો છે. આ ટીમે બે અનુભવી ખેલાડી ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાનનો લાંબો સાથ છોડયો છે. ડેવિડ વોર્નરે પહેલાં જ સનરાઇઝર્સની ટીમને બાય બાય કરી દીધું હતું. આજે ઇંગ્લેન્ડના વિકેટકીપર જોની બેયરસ્ટોએ પણ આ ટીમનો સાથ છૂટયાની જાહેરાત ટિવટર પર કરી હતી.પંજાબ કિંગ્સે પહેલાં એક પણ ખેલાડીને રિટેન ન કરવાની યોજના બનાવી હતી. પણ હવે તેણે ઓપનર મયંક અગ્રવાલ, મોહમ્મદ શમી અને યુવા અર્શદીપ સિંઘને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસન અને જોસ બટલરને જાળવી રાખ્યા છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલાં જ ચાર રિટેન ખેલાડી તરીકે રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને એનરિક નોત્ઝેનાં નામ જાહેર કરી ચૂકી છે. 

Crime

© 2022 Saurashtra Trust