મેસ્સી વિક્રમી સાતમીવાર વર્ષનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલર

પેરિસ, તા.30: આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીએ રેકોર્ડ સાતમીવાર પ્રતિષ્ઠિત ખિતાબ `બેલન ડી ઓર' જીતીને ઇતિહાસ રચ્યો છે. ફૂટબોલની દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીને મળનારા આ વાર્ષિક એવોર્ડમાં મેસ્સીએ પોલેન્ડના રોબર્ટ લેવાનડોસ્કી (બાયર્ન મ્યૂનિચ ક્લબ) અને ઈટાલીના જોર્જિન્હો (ચેલ્સી)ને પાછળ રાખીને વિક્રમી સાતમી વખત બેલન ડી ઓર ટ્રોફી પર કબજો જમાવ્યો છે. આ સાથે જ મેસ્સી તેના નજીકના પરંપરાગત હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી ઘણો આગળ નીકળી ગયો છે. 34 વર્ષીય મેસ્સીના નામે હવે આ સાતમો ખિતાબ છે જ્યારે 36 વર્ષીય રોનાલ્ડો પાંચ વખત આ સન્માન હાંસલ કરી ચૂકયો છે.બાર્સિલોનાથી પીએસજી ક્લબમાં પહોંચેલા મેસ્સીએ પહેલીવાર 2009માં બેસ્ટ પ્લેયરનો આ એવોર્ડ જીત્યો હતો. તેણે 2009, 2010, 2011, 2012, 201પ, 2019 અને 2021માં આ ખિતાબ તેનાં નામે કર્યાં છે.અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વર્ષ 2008થી અત્યાર સુધીમાં મેસ્સી અને રોનાલ્ડોએ મળીને આ ખિતાબ પર 12 વખત કબજો જમાવ્યો છે. જેથી સાબિત થાય છે કે ફૂટબોલ વર્લ્ડમાં આ બે દિગ્ગજ ખેલાડીનો કેવો દબદબો છે. મહિલા વર્ગમાં આ વર્ષે આ ટ્રોફી સ્પેનની એલેકિસયા પુતેલાસે જીતી છે. તેણીએ બાર્સિલોનાને ચેમ્પિયન લીગમાં વિજેતા બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.  

Crime

© 2022 Saurashtra Trust