કુખ્યાત હરામીનાળું સંપૂર્ણપણે સીલ
ભુજ, તા 30 : નાપાક ઘૂસણખોરી માટેના કચ્છના કુખ્યાત હરામીનાળામાં સીમા સુરક્ષા દળે ત્રણ ચેક પોસ્ટ સ્થાપિત કરી તેને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત સીરક્રીક ક્ષેત્રમાં પણ સઘન ચોકી પહેરાના પગલે ચાલુ વર્ષે કોઇ જ પાકિસ્તાની માછીમારની ઘૂસણખોરી ન થઇ હોવાનું આજે ગાંધીનગર ખાતે સીમા સુરક્ષા દળના ગુજરાત ફ્રન્ટીયરના વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે દળના 57મા સ્થાપના દિવસના અવસરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું. શ્રી મલિકે ઉમેર્યું કે, સીમા સુરક્ષાદળની સ્થાપના પહેલી ડીસેમ્બર 1965માં ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓની સુરક્ષા માટે કરવામાં આવી હતી. આ દળ વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક દળ છે. અંદાજિત 6500 કિ.મી. લાંબી સીમાની રખેવાળી સીમાદળ કરી રહ્યું છે. દરમ્યાન ગુજરાત સીમા સુરક્ષા દળ 826 કિ.મી. લાંબી સીમાની સુરક્ષામાં તૈનાત છે જેમાં બાડમેરના રેગિસ્તાનથી લઇ કચ્છના રણ તથા મેડીથી જખૌના 85 કિ.મી.નો દરિયાઇ વિસ્તારમાં પણ ચોકી પહેરો થઇ રહ્યો છે. ચાલુ વર્ષે સીમા પારથી ઘૂસણખોરી કરતા ત્રણ પાકિસ્તાની ઘૂસણખોરો તથા બે બાંગ્લાદેશીઓ તેમજ 21 ભારતીય લોકોને પણ સીમા નજીક સંદિગ્ધ અવસ્થામાં ફરતા દળના જવાનોએ ઝડપી લીધા હતા. આ ઉપરાંત 33 કેફી દ્રવ્યોના પેકેટ પણ જપ્ત કર્યા છે. ગુજરાત બીએસએફના વડા શ્રી મલિકે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતીય ક્ષેત્રમાં 4050 ચોરસ કિ.મી.માં પથરાયેલ છ? મુખ્ય ક્રીક ઉપરાંત પાકિસ્તાની વિસ્તારના 12000 ચોરસ કિ.મી.માં ફેલાયેલી 16 મુખ્ય ક્રીક છે. દળના જવાનોનો ભારતીય ક્ષેત્રની ક્રીકો પર સઘન ચોકી પહેરો છે આથી ચાલુ વર્ષ દરમ્યાન કોઇ જ પાકિસ્તાની માછીમાર ભારતીય સીમામાં ઘૂસી આવ્યાની ઘટના બની નથી. છેલ્લે 2020ની ઓગસ્ટમાં હરામી નાળામાંથી ચાર પાકિસ્તાની માછીમારોને, ઘૂસણખોરોને દળના જવાનોએ દબોચી લીધા હતા. અને ગત વર્ષે ડીસેમ્બરમાં સીર ક્રીકથી એક પાકિસ્તાની માછીમાર બોટ સાથે ઝડપાયો હતો. સીમા સુરક્ષાદળે હરામી નાળામાં પીલર નં. 1164, 1166 તથા 1169ની ચેકપોસ્ટ સ્થાપિત કરીને હરામીનાળાને સંપૂર્ણપણે સીલબંધ કરી દીધાનું શ્રી મલિકે કહ્યું હોવાનું સીમા સુરક્ષાદળના મુખ્યાલયની યાદીમાં જણાવ્યું છે.