કોરોનાનો ફૂંફાડો જારી : કચ્છમાં વધુ બે સંક્રમિત

ભુજ, તા. 30 : કચ્છમાં ફરી એકવાર કોરોનાએ ફૂંફાડો મારવાનું શરૂ કર્યું છે. ફૂંફાડાનો આ દોર વધુ એક દિવસ જારી રહ્યો હોય તેમ ભુજ અને અબડાસામાં વધુ એકએક સાથે જિલ્લામાં બે કોરોના સંક્રમિત વધ્યા છે. સંક્રમણની દોટમાં એકાએક નોંધનીય ઉછાળો આવ્યો હોય તેમ શનિથી મંગળના ચાર દિવસમાં 12 કેસ નોંધાયા છે, તેમાં સૌથી વધુ 7 કેસ માંડવી શહેર અને તાલુકામાં તો ચાર કેસ ભુજ તો એક કેસ અબડાસા તાલુકામાં નોંધાયો છે. આરોગ્યતંત્રની યાદી અનુસાર ભુજ ગ્રામ્ય અને અબડાસા તાલુકામાં કોરોનાના કેસે પોતાની હાજરી પુરાવી છે. અબડાસામાં એક દર્દી સ્વસ્થ થતાં સક્રિય કેસનો આંકડો 12 પર જ અટક્યો હતો. જિલ્લામાં શનિવારે બે બાદ રવિવારે મોટા વિસ્ફોટ સાથે 5, સોમવારે ત્રણ બાદ મંગળવારે બે કેસ નોંધાયા હતા. ચાર દિવસમાં સંક્રમિતોનો આંક ઊંચકાતાં ચિંતા વ્યાપેલી જોવા મળી રહી છે. નિયમ પાલનમાં તંત્ર કડકાઇ દેખાડે તેવી માંગ પ્રવર્તી રહી છે. કોરોનાની દોટ વચ્ચે ગાંધીધામમાં 3501, ભુજમાં 2738, અંજારમાં 2519, મુંદરામાં 2230, નખત્રાણામાં 1652, ભચાઉમાં 1618, માંડવીમાં 1481, રાપરમાં 1090, અબડાસામાં 502 અને લખપતમાં 380 મળી 17,711ને રસી અપાઇ હતી. જિલ્લામાં 14.52 લાખ લોકોએ રસીનો એક તો 10.30 લાખ લોકોએ રસીના બંને ડોઝ લઇ લીધા છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer