કોરોના રસી અંગે લોકોને જાગૃત કરતી કચેરીઓ સ્વયં પણ જાગૃત

કૌશલ પાંધી દ્વારા - ભુજ, તા. 30 : કોરોના સામે લોકોને રક્ષણ મળે તે માટે સરકાર વિવિધ કાર્યક્રમો કરી રહી છે. જેમાં ખાસ કરીને દરેક નાગરિક રસી લે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. હાલમાં તો રસી ન લેનારાઓને શોધી, સમજાવી અને બન્ને ડોઝ લે તે માટે આરોગ્ય શાખાની ટીમો ઘરોઘર જઈ રહી છે.જો કે, મોટા ભાગના લોકોએ કોવિશિલ્ડ અને કોવેકિસનના બન્ને ડોઝ લઈ જાગૃતિ બતાવી છે ત્યારે કચ્છમિત્રે વિવિધ કચેરીઓના વડા અને સ્ટાફે રસી લીધી કે, નહીં તે જાણવા પ્રયાસ કરતાં લેખેલા લોકોને બાદ કરતાં 100 ટકા રસીકરણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છમાં લોકોના સીધા સંપર્કમાં આવતી કચેરીઓમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારાનો સંપર્ક સાધતાં તેમણે તથા પરિવારે રસીના બન્ને ડોઝ લીધા હોવાનું જણાવ્યું હતું ઉપરાંત મોટા ભાગનો સ્ટાફ પણ શિક્ષિત છે જેથી તમામે આ બાબતે જાગૃતિ દેખાડી કોરોના સામે રક્ષણ મેળવવા બે ડોઝ લીધા હોવાનું જણાવ્યું હતું. ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરીએ જણાવ્યું કે, 100 ટકા સ્ટાફે રસી લઈ લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તમામ સ્ટાફ અને તેમના પરિવારજનોએ પણ આ બાબતે જાગૃતિ દેખાડી રસી લીધી છે. હવે બૂસ્ટર ડોઝ તરફ આગળ વધી રહ્યા હોવાનું કહ્યું હતું. ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામ ઠકકરે જણાવ્યું કે, કોરોનાની શરૂઆતથી જ સફાઈ કામદારો, ફાયર શાખા, સેનિટેશન શાખા સહિત કચેરીનો સ્ટાફ ફ્રન્ટલાઈન વોરિયર તરીકે સેવારત હોવાથી તેમણે સ્વસુરક્ષા માટે રસીકરણના પ્રારંભે જ ડોઝ લઈ લીધા હતા. યેનકેન કારણોસર કદાચ કચેરીમાં બે-ત્રણ જણ બાકી હોવાની શક્યતા વ્યકત કરી હતી. અંજાર સુધરાઈના અધ્યક્ષા લીલાવંતીબેન પ્રજાપતિએ જણાવ્યું કે, કચેરી સ્ટાફમાં માત્ર પાંચેક કર્મચારીઓ બાકી હતા જેથી તેમને પણ સૂચના આપી તાત્કાલિક ધોરણે રસી લેવા કહ્યું હોવાનું ઉમેર્યું હતું. ગાંધીધામ નગરપાલિકા અધ્યક્ષા ઈશિતાબેન ટિલવાણીએ જણાવ્યું કે, જાગૃત નાગરિકોએ રસી લેવી જ જોઈએ. નગરપાલિકાના મોટા ભાગના કર્મચારીઓએ રસી લઈ લીધી છે. પણ હાલમાં બે ડોઝ વચ્ચે ગાળો વધી ગયો હતો જેથી અમુક લોકોના બીજા ડોઝ બાકી રહેતા હશે. પરંતુ તેઓ નિયમોનુસાર  બીજા ડોઝ લે તે માટે કેમ્પ યોજાઈ રહ્યા છે. ભાજપ દ્વારા પણ ઘરોઘર સર્વે સાથે બાકી લોકોને રસી લેવા માટે સમજાવાઈ રહ્યા છે તેમ ઉમેર્યું હતું. ભચાઉ સુધરાઈ અધ્યક્ષા કલાવંતીબેન જોષીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, પરિવારજનોએ તો બે ડોઝ લઈ જ લીધા છે ઉપરાંત કચેરી સ્ટાફ માટે પણ બેથી ત્રણવાર કેમ્પ યોજી તમામને રસી આપી કોરોના સામે સુરક્ષિત કરાયા હોવાનું જણાવ્યું હતું. રાપર નગરપાલિકા અધ્યક્ષા અમરતબેન વાવિયાનો સંપર્ક સાધતાં જણાવ્યું કે, સમગ્ર પરિવારમાંથી માત્ર બે સભ્ય જ ચોક્કસ કારણોસર રસી નથી લઈ શક્યા. કચેરીના સ્ટાફે તો પ્રથમ કેમ્પ સમયે જ રસી લઈ લીધી હતી. રાપર શહેરનું 91 ટકા રસીકરણ થયું છે. સ્ટાફની સાથોસાથ તમામ 28 નગરસેવકો અને તેમના સમગ્ર પરિવારે પણ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. તેમણે ખાસ ઉમેર્યું કે, તાલુકાના ધાડધ્રોમાં 6પ0 લોકોમાંથી કોઈએ રસી નહોતી લીધી. આ બાબતે પ્રાંત અધિકારીએ ધ્યાન દોરતાં ગામમાં જઈ તમામ લોકોને રસીકરણ માટે સમજાવાતાં 60થી 70 ટકા રસીકરણ કરાયું. માંડવી નગર સેવા સદનના અધ્યક્ષા હેતલબેન સોનેજીને પૂછતાં તેમણે કહ્યું કે, તેમની સાથે પરિવારે પણ બન્ને ડોઝ લઈ લીધા છે. ઉપરાંત નગરપાલિકાના સ્ટાફે તો ઘણો સમય પહેલા જ રસી લઈ લીધી હતી.મુંદરા સુધરાઈના પ્રમુખ પરમાર કિશોરસિંહે જણાવ્યું કે, તેમને દિકરી સહિત તમામ પરિવારે રસી લઈ લીધી છે. કચેરી સ્ટાફમાં તો 8પ ટકા રસીકરણ થયું છે પણ હજુ અમુક સફાઈ કામદારો બાકી છે જેમને રસી લેવા બાબતે સમજાવાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં તેઓ પણ રસી લઈ સુરક્ષિત બનશે તેમ ઉમેર્યું હતું. કલેકટર કચેરીમાં રસીકરણ અંગે જાણવા પ્રયાસ કરતાં નિવાસી અધિક કલેકટર શ્રી જાડેજાને પૂછતાં તેમણે અને તેમના પરિવારે રસીના બન્ને ડોઝ લીધા છે ઉપરાંત કલેકટર કચેરીના તમામ સ્ટાફે પણ આ બાબતે જાગૃતિ દાખવી બે ડોઝ લીધા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈ અને જે.એન. પંચાલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, તેઓ તથા તેમના પરિવારજનોએ કોરોના સામે રક્ષણ આપતી રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટાફમાં 98 ટકા જેટલું રસીકરણ થયું હોવાનું જણાવ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust