કુકડસરમાં તાળાં તોડી મંદિરમાં 1.41 લાખની ચોરી

ભુજ, તા. 30 : મુંદરા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના નાનકડાં એવા કુકડસર ગામે ગોગા બાપાના મંદિરનાં તાળાં તોડી તેમાંથી ગત મોડીરાત્રે રૂા. 1,40,500ની કિંમતના સોના અને ચાંદીના આભૂષણોની તસ્કરી થઇ હતી. ચાર અજ્ઞાત શખ્સે આ બનાવને અંજામ આપ્યા બાદ પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.બહાર આવેલી વિગતો અનુસાર મુંદરાથી પૂર્વ દિશાએ 33 કિ.મી. દૂર આવેલા કાંઠાળ પટ્ટાના કુકડસર ગામે ગતરાત્રે એકથી દોઢ વાગ્યા દરમ્યાન આ તસ્કરીને અંજામ અપાયો હતો. ચાર અજાણ્યા આરોપી ગોગા બાપાનાં મંદિરનાં તાળાં તોડીને અંદર ઘુસ્યા હતા અને મંદિરના ગર્ભગૃહ ખાતેથી સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા.બનાવ બાબતે કુકડસર ગામના ધનાભાઇ ગોવાભાઇ રબારીએ મુંદરા મરીન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ મંદિરના દરવાજાને લગાડવામાં આવેલા તાળાં તોડીને ચારેય આરોપી અંદર ઘુસ્યા હતા. ગર્ભગૃહમાં ગયા બાદ તેમણે ચાંદીના છત્તર, મૂર્તિ, સાંઢણી, ઘોડા, સોનાની મૂર્તિ મળી કુલ્લ રૂા. 1,40,500ના ઘરેણાનો હાથ માર્યો હતો.બનાવની જાણ થતાં કેસના તપાસનીશ મરીન સબ ઇન્સ્પેકટર જી.વી. વાણિયા અને સ્ટાફના રાઇટર જીતુદાન ગઢવી વગેરે સ્થાનિકે જઇને છાનબીન કાર્યવાહીમાં પરોવાયા હતા. સી.સી.ટી.વી. કેમેરાના અભ્યાસ સાથે સર્વગ્રાહી છાનબીન આ ટુકડીએ અવિરત રાખી છે.  

Crime

© 2022 Saurashtra Trust