ભુજમાં 84 જુનિયર નિવાસી તબીબો મેડિકલ સેવાથી રહ્યા અળગા

ભુજમાં 84 જુનિયર નિવાસી તબીબો મેડિકલ સેવાથી રહ્યા અળગા
ભુજ, તા. 30 : નીટ અને પીજીમાં કાઉન્સેલીંગની પ્રક્રિયા લાંબા સમયથી હાથ ધરાઇ  નથી. વળી સુપ્રીમ કોર્ટમાં તેના અંગે સુનાવણી ચાલતી હોવાથી આખીય પ્રક્રિયા વિલંબમાં મુકાઇ રહી છે તેવામાં દેશવ્યાપી એલાનના પગલે  ભુજમાં પણ 84 જેટલા નિવાસી તબીબો ઓપીડી સહિતની મેડિકલ સેવાથી અળગા રહ્યા હતા. અગાઉ જૂનિયર ડોક્ટરો અચોક્કસ મુદ્દત માટે આપાતકાલીન  સિવાયની મેડિકલ સેવાથી અળગા રહેવાના હતા પણ જૂનિયર ડોક્ટરોના રાષ્ટ્રીય એસોસીએશનની સરકાર સાથે ચાલતી વાટાઘાટ અંતર્ગત સરકારે કાઉન્સેલીંગ પ્રક્રિયા હાથ ધરવા માટે ત્રણ ડિસેમ્બર સુધી કોઇ સકારાત્મક નિર્ણય લેવાશે તેવી ખાતરી આપતાં અચોક્કસ મુદ્દત માટે કામથી દૂર રહેવાનું એલાન પાછું ખેંચાયેલું હતું. જો ત્રણ ડિસેમ્બર સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 4 ડિસમ્બરથી ફરી અચોક્કસ મુદ્દત માટે મેડિકલ સેવાથી અળગા રહેવાની ચિમકી જૂનિયર ડોક્ટર એસો.ના કચ્છ જિલ્લા પ્રમુખ ડો. પ્રકાશ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું. જૂનિયર ડોક્ટરોએ કોરોના કાળમાં  ઘર, પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી હતી. નીટ-પીજીમાં કાઉન્સેલીંગ પ્રક્રિયા હાથ ન ધરાવવા સાથે પ્રવેશ પ્રક્રિયા પણ સતત પાછી ઠેલાતાં દેશભરની મેડિકલ કોલેજમાં નિવાસી તબીબોની મોટી ઘટ પડી છે. સામાન્ય રીતે નિવાસી તબીબોની ત્રણ બેચ હોસ્પિટલમાં ફરજ બજાવતી હોય છે પણ મે માસમાં હાથ ધરાવી જોઇએ એ કાઉન્સેલીંગ પ્રક્રિયા હજુ સુધી હાથ ન ધરાતાં ત્રણના બદલે બે જ બેચ ફરજ બજાવતી હોવાથી નિવાસી તબીબો પર કામનું ભારણ સતત વધી રહ્યું છે.આ અગાઉ નિવાસી તબીબોએ ગેઇમ્સના ડાયરેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. સર્વોચ્ચ અદાલતમાં 6 જાન્યુઆરીએ વધુ એકવાર સુનાવણી હાથ ધરાવાની છે, ત્યારે કાયદાકીય પ્રક્રિયા પણ થોડી ઝડપી બને તેવી માંગણી નિવાસી તબીબો કરી રહ્યા છે. એક દિવસીય હડતાલના પગલે દર્દીઓને હાલાકી વેઠવાનોય વારો આવ્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust