શેરી ફેરિયાઓને તેમના હક્ક-ફરજો સમજાવાયા

શેરી ફેરિયાઓને તેમના હક્ક-ફરજો સમજાવાયા
ભુજ, તા. 30 : હોમ્સ ઈન ધ સિટી અને ભુજ શહેર શેરી ફેરિયા સંગઠન દ્વારા સ્ટ્રીટ વેન્ડર (પ્રોટેક્શન ઓફ લાઇવલીહૂડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) એક્ટ-2014 કાયદાની સમજ માટે શેરી ફેરિયાઓની કાર્યશાળાનું આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં નેશનલ હોકર્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શક્તિમાન ઘોષ (દાદા)એ જણાવ્યું કે, 2014માં જાહેર કરાયેલા સ્ટ્રીટ વેન્ડર્સ માટેનો આ અધિનિયમ શેરી ફેરિયાઓના રક્ષણ માટે બનાવાયો છે. આ એક્ટના માધ્યમે સરકાર દ્વારા ફેરિયાઓના રોજગારનું રક્ષણ થાય એવી જોગવાઇ કરાઇ છે. કાયદાકીય રીતે શહેરની વસતીના કુલ 2.5 ટકા જમીન ફેરિયાઓને આજીવિકા માટે ફાળવવા જોગવાઈ કરાઇ છે. શેરી ફેરિયાઓ દેશની અર્થવ્યવસ્થામાં મહત્ત્વનો ભાગ છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ગાંગુલીના આદેશને ટાંકતા જણાવ્યું કે, `કોઇ પણ શહેરોમાં થતો ટ્રાફિકજામ શેરી ફેરિયાઓના કારણે નહીં પરંતુ આડેધડ પાર્ક કરાતા વાહનોના કારણે થાય છે.' આથી ટ્રાફિક સમસ્યાના બહાને હટાવી શકાતા નથી. નાગપુર મહારાષ્ટ્રથી આવેલા એનએચએફના જમ્મુ આંનદે જણાવ્યું કે કાયદા મુજબ જ્યાં સુધી બધા જ ફેરિયાનો સર્વે ન થાય ત્યાં સુધી તેમને હટાવી શકાતા નથી. તેમણે ફેરિયાઓ માટે સર્ટિફિકેટ ઓફ વેન્ડિંગનું મહત્ત્વ અને તેમના મતલબની સમજ આપી હતી. ઇન્ડો ગ્લોબલ સોશિયલ સર્વિસ સોસાટીના એડ્રીન ડીક્રુઝ, અરાવિંદ ઉન્નીએ શેરી ફેરિયા રક્ષણ અને નિયમો કાયદો-2014ની સાથે જોડાયેલ સર્વે, ઓળખ પ્રમાણપત્ર, સર્ટિફિકેટ ઓફ વેન્ડિંગ, ટાઉન વેન્ડિંગ કમીટિ, વેન્ડિંગ ઝોન વિ. બાબતે સમજ આપી હતી. ફેરિયાઓને તેમની ફરજો અને જવાબદારી બાબતે પણ સમજાવાયા હતા. આજની કાર્યશાળામાં અન્ય રાજ્યોનાં શહેરોમાં થયેલી કામગીરી પણ જણાવાઇ હતી. આગામી સમયમાં સંગઠનમાં સભ્યોને જોડવા અને સંગઠન મજબૂત બનાવવા પર ભાર મૂકવા જણાવ્યું હતું. બરોડાથી એનએચએફના જય વ્યાસ જોડાયા હતા. સંચાલન શેરી ફેરિયા સંગઠનના કન્વીનર મહમદ લાખાએ કર્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust