ભુજ રેલમથકે મુસાફરોની હાલાકી સમજો

ભુજ રેલમથકે મુસાફરોની હાલાકી સમજો
ભુજ, તા. 30 : ભુજ રેલમથકે ખાસ કરીને પ્રવાસીઓને પડી રહેલી મુશ્કેલી અંગે આજે યોજાયેલી બેઠકમાં સલાહકાર સમિતિના સભ્યો વરસી પડયા હતા. વૃદ્ધ મુસાફરોને હાલાકી થાય છે તો પાર્કિંગમાં વાહનચાલકો સાથે કરાતા ગેરવ્યવહાર અંગે યોગ્ય કરવા સૂચના અપાઇ હતી અને રેલગાડીઓ ભુજ સુધી લંબાવવા પણ રજૂઆતો થઇ હતી.ભુજ રેલવે બોર્ડના વરિષ્ઠ સભ્ય એ. વાય. આકબાની તથા કચ્છમિત્રના સિનિયર સબ એડિટર ગિરીશ જોષીએ સમિતિની બેઠક નિયમિત બોલાવવા તેમજ દેશલપર સુધી બ્રોડગેજની લાઇન પથરાઇ ગઇ?છે તેના પર ટ્રેન ચલાવવા જણાવ્યું હતું. ભુજના જૂના રેલવે સ્ટેશને થતા દબાણને અટકાવી રેલવે તંત્ર વિકાસ કરે તેવી વાત કરવામાં આવતાં રેલવેના એરિયા મેનેજર આદેશ પઠાનિયાએ દબાણો ટૂંક સમયમાં હટાવવા જણાવ્યું હતું. સભ્યો અને ભુજના ઉપનગરઅધ્યક્ષા રેશ્માબેન ઝવેરી, જિલ્લા ભાજપના પ્રફુલ્લસિંહ જાડેજા તથા બાલક્રિષ્ન મોતાએ પણ પ્રશ્નો રજૂ કર્યા હતા. વરિષ્ઠ નાગરિકો માટે વ્હીલચેરની સગવડ આપવા, સામાન ઉપાડવા, ટ્રોલી આપવા અને પ્રવાસીઓને કોઇ સમસ્યા ન રહે તેની તકેદારી રાખવા લેખિતમાં પ્રશ્નો મૂક્યા હતા.વરિષ્ઠ સભ્ય હરિભાઇ ગઢવીએ ગાંધીધામ આવતી ટ્રેનને ભુજ સુધી લંબાવવા અને ભુજની સુવિધા વધારવા અનુરોધ કર્યો હતો. લીલાધરભાઇ ચંદે, મનસુખભાઇ નાગડા, રમેશભાઇ દાફડા વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. બાદમાં એરિયા મેનેજરે વરિષ્ઠ પ્રવાસીઓ માટે બેટરીકારનો પ્રસ્તાવ મૂક્યો હતો જેના માટે સંમતિ સભ્યો તરફથી આપવામાં આવી હતી. બેઠકમાં ભુજના સ્ટેશન અધીક્ષક કે. કે. શર્મા વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer