રામબાગ હોસ્પિટલમાં પાંચ કિલોની કેન્સરની ગાંઠની સફળ શત્રક્રિયા

રામબાગ હોસ્પિટલમાં પાંચ કિલોની કેન્સરની ગાંઠની સફળ શત્રક્રિયા
ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છની સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક મહિલા દર્દીની કેન્સરની પાંચ કિલોની મોટી ગાંઠની સફળ શત્રક્રિયા કરાઇ હતી.સાથે સાથે તેમના 13 વર્ષથી બહાર લટકાવાયેલા આંતરડાંને પણ ઠીક કરી દેવાયું હતું. રામબાગના અધિક્ષકની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે પોરબંદરના 40 વર્ષીય મહિલાને 13 વર્ષ પહેલાં શત્રક્રિયા કરાઇ હતી અને તેમનું આંતરડું બહાર કઢાયેલું હતું. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તેમને પેટમાં દુ:ખાવો તથા સોજાની ફરિયાદ હતી. આ મહિલાએ રામબાગના અધિક્ષક ડો. અનુજકુમાર શ્રીવાસ્તને મળીને રજૂઆત કરતાં તેમણે જનરલ સર્જન ડો. કિશન કટુઆનો સંપર્ક કરાવ્યો હતો. પ્રારંભિક તપાસમાં દર્દીના બંને આંતરડાંનું  ફરી જોડાણ થઇ શકે છે અને અંડાશયમાં કેન્સરની બહુ જ મોટી ગાંઠ છે તેવું નિદાન આવ્યું હતું. આ મહિલાના અંડાશયની શત્રક્રિયા કરીને ડો. કટુઆ તથા મહિલા રોગ નિષ્ણાંત ડો. મિતલ જાનીએ પાંચ કિલોની ગાંઠ બહાર કાઢી હતી. ઉપરાંત છ કલાકની મહેનત બાદ બહાર રહેલાં આંતરડાંને ફરી અંદર જોડવામાં આવ્યું હતું. શત્રક્રિયા સહિતની આ સારવારમાં સ્ટાફ નર્સ ભાવના પટેલ, સૂર્યા નિનામા, એનેસ્થેટીક ડો. રાજવીર જાડેજા, ઓ.ટી. સ્ટાફે સહયોગ કર્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust