કવિતા એ કાનની કળા

કવિતા એ કાનની કળા
ભુજ, તા. 30 : ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળાના ચતુર્થ મણકા અંર્તગત `કાવ્યાનંદ - બ્રહ્માનંદ' વિષય પર દર્શનાબહેન ધોળકિયાનું વ્યાખ્યાન અહીંની લાલન કોલેજમાં યોજાયું હતું. કાર્યક્રમના આરંભે કાલેજના આચાર્ય શ્રી ઝાલાએ વક્તાનું સ્વાગત કરી પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. ચૈતાલીબેન ઠક્કરે  ભૂમિકા રજૂ કરી હતી. દર્શનાબહેને કવિતાના આનંદને બ્રહ્માનંદ સહોદર ગણાવતાં પાશ્ચાત્યસાહિત્ય મીમાંસકો સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલની કાવ્યવિભાવના સમજાવતાં `કવિતા કાનની કળા છે' વિધાનની વિસ્તૃત ચર્ચા કરી હતી. મધ્યકાલીન સર્જકો નરાસિંહ મહેતા, પ્રેમાનંદ, દયારામ, ધીરાને યાદ કરતાં તેમનાં અનેક પદોનો ગૂઢાર્થ સમજાવ્યો હતો. અર્વાચીન કવિઓ ઉમાશંકર જોશી, શ્રીધરાણી, ન્હાનાલાલ, કલાપી, પ્રહલાદ પારેખ જેવા અનેક સર્જકોની કવિતામાં રહેલા - ભાવ, લય અને અર્થની રજૂઆત કરી હતી. કવિતા એ આત્માની અમૃતભાષા છે એ વાત એમના વક્તવ્યમાં સિદ્ધ થઇ હતી. કાર્યક્રમના અંતે ગુજરાતી વિભાગના પ્રા. નીલુબેન ગોહેલે આભારવિધિ કરી હતી.  કાર્યક્રમમાં કોલેજના અન્ય વિષયના પ્રાધ્યાપકો અને ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ગુજરાતી વિભાગના ડો.વંદના રામીએ કર્યું હતું. ત્યારબાદ `સ્વાગત છે તમારું' કાર્યક્રમમાં નવાંગતુક વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust