મિસરિયાડોમાં રામદેવજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

મિસરિયાડોમાં રામદેવજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ખાવડા, તા. 30 : રા.સ્વયંસેવક સંઘ પ્રેરિત સી.જ.ક. સમિતિ ગુજરાત સેવા સાધના કચ્છ દ્વારા નિર્મિત રામદેવજી મહારાજના મંદિરના પુન:નિર્માણ બાદ ઉગમણી બન્નીના મિસરિયાડા ગામે રતનાલના દાતા નંદલાલ જીવાભાઈ છાંગાના સંપૂર્ણ આર્થિક સહયોગથી નિર્મિત આ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યજ્ઞ અને પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ યોજાયેલ સભામાં અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય પછી બન્નીના શોષિત કચડાયેલા એવા વાઢા કોલી સમાજને મકાનો અને મંદિરોના નિર્માણ વિશે સતત સંપર્ક રહેલા બાં-બેલી ગણી શકાય તેવા શાંતિભાઈ ઠક્કરે વિગતે ચર્ચા કરી હતી. પ.ક. જિલ્લાના સંઘચાલક સીમા જ.ક. સમિતિ ઉ.પ્ર. હિંમતસિંહભાઈ વસણે બન્નીના આવા અંતરિયાળ ગામડામાં ઘણા સમયથી ઘરવિહોણા લોકોને નિવાસ સાથે ધાર્મિક ભાવનાની પ્રેરણા માટે મંદિરો બનાવી આપવામાં આવે છે અને તેમના બાળકોના શિક્ષણ, આરોગ્ય, રોજગારી વિ.ની ચીવટ પણ રખાતી હોવાની વાત કરી હતી. કેશવ સંવર્ધન અભ્યુદય બેંગાલુર તરફથી પાંચ સીલાઈ મશીન અર્પણ થયા હતા. વિભાગીય સંઘચાલક નવીનભાઈ વ્યાસ, હિંમતસિંહ વસણ, નંદલાલ છાંગા, શાંતિભાઈ ઠક્કર, મીસરિયાડા અગ્રણી નેતાભાઈ મારવાડા, વાઢા કોલી સમાજના મહિલા અગ્રણી જેનાબાઈ વિ. મંચસ્થ રહ્યા હતા. દીપેશભાઈ ત્રિપાઠીએ પ્રતિષ્ઠા વિધિ નિ:શુલ્ક કરાવી હતી. વાલજીભાઈ સુથારના માર્ગદર્શન નીચે બીજલભાઈ મારવાડા, ખીમજી મારવાડા, શિક્ષક પ્રહલાદભાઈ સુથાર વિ.એ સહયોગ આપ્યો હતો. સંચાલન ધનજીભાઈ ગોરસિયાએ કર્યું હતું. ભરતભાઈ મહેતા, અખિલેશ અંતાણી, હીરાલાલ રાજદે વિ. ઉપસ્થિત રહ્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer