પરવાનેદાર હથિયાર ધારકો પોતાના હથિયારો ચૂંટણી સુધી પોલીસ સ્ટેશને જમા કરાવવા આદેશ
ભુજ, તા. 30 : રાજ્યના ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા તા. 22/11/21થી પ્રસિધ્ધ કરાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં કાર્યક્રમ અંતર્ગત માહે ડિસેમ્બર-2021માં કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીઓ મુકત, ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઇ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ જાહેર સલામતી જોખમાય નહીં તેવા હેતુસર જિલ્લાના તમામ સ્વરક્ષણ તથા પાકરક્ષણના પરવાના ધારકોના હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂરી થતા સુધી પોલીસ સ્ટેશનમાં જમાં લેવા જરૂરી જણાય છે. પરવાના તળેના હથિયારો સંબંધકર્તા પરવાનેદાર પાસેથી મેળવી જમા લેવા શસ્ત્ર અધિનિયમ-1959ની જોગવાઈ હેઠળ આથી જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેથી તા. 31/12/2021 બાદ સંબંધિત પરવાનેદારને તેનું હથિયાર પરત સોંપવાનું રહેશે. આ હુકમ બેંક કે અન્ય સંસ્થાઓ કે જ્યાં સિકયુરીટીના પ્રશ્ન હોય તેવા પરવાનેદારને લાગુ પડશે નહીં.