વડાપ્રધાનનાં લક્ષ્યોને પાર પાડવા ગુજરાત પ્રતિબદ્ધ

વડાપ્રધાનનાં લક્ષ્યોને પાર પાડવા ગુજરાત પ્રતિબદ્ધ
ગાંધીધામ, તા. 26 : કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય તેમજ અહીંનાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટનાં યજમાનપદે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી ગતિશક્તિ કાર્યશાળાનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં લક્ષ્યોને પાર પાડવા ગુજરાત પ્રતિબદ્ધ છે, તેમણે ગતિશક્તિ ક્ષેત્રિય કોન્ફરન્સમાં પ્રેરક વકતવ્ય આપ્યું હતું. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા એમ પાંચ રાજ્ય અને દમણ અને દીવના પ્રદેશોનો પી.એઁમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન દ્વારા વિકાસાર્થે આજે પરસ્પર વિચાર વિનિમય કરાયો હતો. કોન્ફરન્સ તથા કાર્યશાળાને ખુલ્લી મૂકતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશનાં આંતર માળખાંકીય વિકાસને વડાપ્રધાને અદ્વિતીય શક્તિ અને ગતિ આપવા ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન બનાવ્યો છે. તેને ગુજરાતમાં પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગતિશક્તિ યોજના દેશનાં લોજિસ્ટિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સકલ-સુરત બદલી નાખશે. યુવાનો માટે રોજગારીની નવી તકો, સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પણ આ યોજનાથી મળશે તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, 11 ઔદ્યોગિક કોરિડોરનો વિકાસ, ગામડાંઓમાં ફોર-જી નેટવર્ક, રાષ્ટ્રીય ધોરીમાર્ગનું બે લાખ કિલોમીટર જેટલું વિસ્તરણ, 220 નવાં એરપોર્ટ, હેલિકોપ્ટર અને વોટર એરોડ્રોમનું નિર્માણ, 2025 સુધી દેશની માલસામાન હેરફેર 1759 મેટ્રિક ટન સુધી લઈ જવી, 17 હજાર કિ.મી.ની નવી ગેસ પાઈપલાઈનો નાખવાનાં આયોજન થયાં છે. દરમ્યાન કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગતિશક્તિ ઝોનલ કોન્ફરન્સનાં આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, વડાપ્રધાને દેશને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન અપાવવાનું જે લક્ષ્ય નક્કી કર્યું છે, તેમાં આપણે સૌએ જોડાઈ જવાનું છે. કાશ્મીરથી કન્યાકુમારી અને અરુણાચલથી ગુજરાત સુધી દરેક નાગરિકે જોડાઈને દેશની શક્તિ વધારવા પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો તેમણે કોલ આપ્યો હતો. વર્કશોપ-કોન્ફરન્સમાં શિપિંગ રાજ્યમંત્રી શ્રીપાદ નાઈક, મધ્યપ્રદેશના ઉદ્યોગમંત્રી રાજ્યવર્ધનસિંહ, શિપિંગ અધિક સચિવ સંજય બંદોપાધ્યાય, વાણિજ્ય અધિક સચિવ અમૃતલાલ મીણા, ગુજરાતના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, બંદર વિભાગના મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીનાં સચિવ અવંતિકા સિંઘ, ડીપીટી અધ્યક્ષ એસ.કે. મેહતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer