બંધારણે સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય બક્ષ્યાં

બંધારણે સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય બક્ષ્યાં
ભુજ, તા. 26 : સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય આધારિત 72મા ભારતીય સંવિધાન દિવસની દેશની સાથે કચ્છમાં વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા ઉજવણી કરાઈ હતી. બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ બાદ અગ્રણીઓનાં સંબોધન, સ્પર્ધા વગેરે યોજાયા હતા.  કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી : ભારત આઝાદ થતાં રાષ્ટ્રના તમામ વર્ગ સમુદાયની સમતોલ પ્રગતિ સાથે ન્યાય પ્રક્રિયા સરળ અને તટસ્થ બની રહે તેવા ઉદ્દેશ સાથે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશનું સંવિધાન ઘડવાનું કાર્ય ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીનાં નેતૃત્વમાં સંપન્ન કરાયું હતું. તા. 26 નવેમ્બરે સમગ્ર રાષ્ટ્રમાં સંવિધાન દિવસી ઉજવણી કરાય છે, ત્યારે સંવિધાન ગૌરવ યાત્રાનો પ્રારંભ કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતેથી કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો  દ્વારા પગપાળા યાત્રાના સ્વરૂપે નિયત રૂટ પરથી પસાર થઈને ટાઉન હોલ પાસે પહોંચી બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. ત્યાંથી આગળ વધીને હોટેલ વિરામમાં સમાપન સભા યોજાઈ હતી. ઉદ્બોધનમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અનેક પ્રાંત, જાત અને ભાષામાં વહેંચાયેલા ભારત રાષ્ટ્રને સંવિધાનના એક સૂત્રથી જોડી રાખવા માટે ડો. બાબાસાહેબ આંબેડકરજીનું યોગદાન બેમિસાલ રહ્યું છે. સમગ્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી પરંપરાને ટકાવી રાખવા માટે ભારતીય બંધારણનો સિંહફાળો રહ્યો છે અને આ બંધારણના રચયિતા બાબાસાહેબની કુનેહને વૈશ્વિક નેતાઓ આજે પણ સન્માનની દૃષ્ટિથી જુએ છે. પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સંવિધાન દિવસના પ્રસંગે સંવિધાનનું પૂજન કરવું એ ભાજપની ઊજળી પ્રણાલિકા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સંવિધાનની શતપ્રતિશત ગરિમા જાળવીને આજે રાષ્ટ્રને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ રમેશભાઈ જાકેસરાએ ઉદ્બોધનમાં બાબાસાહેબ આંબેડકરજીની દીર્ઘદૃષ્ટિને સલામ કરીને દેશના સંવિધાને સર્વોચ્ચ લેખાવ્યું હતું. સભાના અંતે અનુસૂચિત જાતિની વિશિષ્ટ પ્રતિભાઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સન્માનવામાં આવી હતી. આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ અનિરૂદ્ધભાઈ દવે, શીતલભાઈ શાહ, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્યો રમેશભાઈ મહેશ્વરી, પંકજભાઈ મહેતા, ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરિયા, પચાણભાઈ સંજોટ, રાહુલભાઈ ગોર, મુકેશભાઈ ચંદે, મીનાક્ષીબેન ભટ્ટ, મંત્રી પ્રફુલસિંહ જાડેજા, વસંતભાઈ કોડરાણી, નીલમબેન લાલવાણી, વીજુબેન રબારી, પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા અનુ. જાતિ મોરચા પ્રમુખ અશોકભાઈ હાથી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તાપસભાઈ શાહ, મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ માવજીભાઈ ગોસ્વામી, લઘુમતી મોરચા પ્રમુખ આમદભાઈ જત, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલક્રિષ્નભાઈ મોતા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા મહામંત્રી રવિલાલ ગરવાએ, લોકોને સંવિધાનના શપથ મહામંત્રી પ્રેમજીભાઈ મંગરિયાએ લેવડાવ્યા હતા, તેવું જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. કચ્છ જિલ્લા મજદૂર વિકાસ મંચ તેમજ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ?:?મજૂર અદાલતના ધારાશાત્રી યોગેશભાઇ મહેતાના પ્રમુખ સ્થાનેથી માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરાયું હતું. આજના દિને વિવિધ વિસ્તારોમાં સામાજિક અંતર જાળવી ભારતના બંધારણના ઇતિહાસ, રચના, મહત્ત્વ અને તેની વિશેષતાઓ અંગેની સમજૂતી અધ્યક્ષ દર્શક અંતાણી, કાર્તિકભાઇ અંતાણી તેમજ નયનભાઇ શુક્લ વગેરેએ આપી હતી. જાગૃતિબેન કેતનભાઇ વૈષ્ણવ તેમજ અમદાવાદના દર્શનભાઇ વૈષ્ણવ તરફથી જીવદયા પ્રવૃત્તિ કરાઇ?હતી. રાપરના કેશવ આશ્રમ શાળામાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના માજી સબ કમિટી સભ્ય ધર્મેન્દ્ર ગોહિલે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી જણાવ્યું હતું કે, ભારતનું સંવિધાન વિશ્વનું મહાન પ્રામાણિક અને સક્ષમ સાબિત થયું છે. વાગડ પછાતવર્ગ કલ્યાણ મંડળના પ્રમુખ મહેશ બગડાએ જણાવ્યું હતું કે, આ સમાજને શિક્ષણની જરૂર હોઈ તે દિશામાં આગળ વધવું જોઈએ. ઉપપ્રમુખ ગોવિંદભાઈ, ભુજ તા.પં.ના સભ્ય લખમણ મેરિયા, વી.એલ. વાઘેલા, ભગુભાઈ સોલંકી, દેસરાભાઈ મેરિયાએ પ્રવચન કર્યાં હતાં. આચાર્યશ્રીએ તમામ મહોમાનોનું સ્વાગત કરી બંધારણના આમુખની પ્રતિજ્ઞા લેવડાવી હતી, તેવું મહેશભાઈએ યાદીમાં જણાવ્યું હતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ : ભુજમાં બાબાસાહેબની પ્રતિમા પર હારારોપણ કરી જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરીએ જણાવ્યું કે, 72 વર્ષનો સમય વીતી ગયો, સંવિધાન લાગુ કરવામાં આવ્યો પણ દેશના દરેક નાગરિકના સમાન હક્કની વાત હોય એ સ્પષ્ટપણે કહી શકીએ કે અમલમાં નથી, માટે દેશની સ્વતંત્રતાની લડાઈના દરેક યોદ્ધાઓએ જે આ દેશ માટે એક સ્વપ્ન જોયું હતું અને એ સપનાનું ભારત આજે નથી. સહપ્રભારી હુશેન થેબા, ઉપપ્રમુખ દયાલ વણકર, નરેશ ફુલિયા, જાકબ જત, મીડિયા કન્વીનર વિશાલ પંડયા, દિનેશ સીજુ, શાંતિ મહેશ્વરી, ભરત મહેશ્વરી, જુલી રાઠોડ, મનોજ દનિચા, અરવિંદભાઈ, રાહુલ ધુવા, રવિ ધેડા જોડાયા હતા. ભુજ અને નાડાપામાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ના પ્રદેશ સચિવ વિજય કાગી દ્વારા ડો. આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી સંવિધાન દિન ઊજવ્યો હતો.ગાંધીધામ : જેવીસી ટ્રસ્ટ અને પી.એન. અમરશી હાઈસ્કૂલના સી.ઈ.ઓ. ગુલશન ભટનાગર, આચાર્ય શૈલેન્દ્ર શર્મા દ્વારા સેમિનાર યોજાયો હતો. સંસ્થા સ્થાપક પારૂલ વાય. સોની- એડવોકેટે બંધારણ અંગે ધોરણ-10ના વિદ્યાર્થીઓને કાયદાકીય માહિતી આપી હતી. આચાર્ય એકલવ્ય સોની, શિક્ષિકા શાલિની મિશ્રા, તેજકુમારી રાણા, સલાહકાર ચેતનભાઈ મહેતા, યુવાશક્તિ નરેશભાઈ સોની, હાર્દિક ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન શિક્ષક લય અંતાણીએ કરેલું હતું. અંજાર શહેર તથા તાલુકા અનુસૂચિત જાતિ વકીલ મંડળ પબ્લિક પાર્ક પાસેની બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી બાબાસાહેબનાં બંધારણીય કાર્યની સરાહનીય ગાથા વર્ણવી હતી. અનુસૂચિત જાતિ વકીલ મંડળના પ્રમુખ લાલજી મહેશ્વરી, સભ્યો વિજય ફફલ, પ્રેમજી મહેશ્વરી, જખુભાઈ મહેશ્વરી, વિનોદભાઈ મહેશ્વરી, લક્ષ્મણ મહેશ્વરી, મેહુલભાઈ શ્રીમાળી, એડવોકેટો તથા સહાયક પ્રતીક મહેશ્વરી તેમજ વિવિધ સંગઠનના વ્યક્તિઓએ હાજર રહી ઉજવણી કરી હતી.અંજારમાં અનુ.જાતિ સમાજ દેવળિયા નાકા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્ર અને અ. જા. સમાજ માટે કરેલાં કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. આગેવાન મનજીભાઈ પરમાર, એડવોકેટ જખુભાઈ મહેશ્વરી, તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ નારાણભાઈ ધુઆ, લાલજીભાઈ મહેશ્વરી, એડ. વિજયભાઈ ફફલ, થાવરભાઈ મહેશ્વરી, એન.કે. ધોરિયા, મનુભાઈ પાલેકર, ભીમજીભાઈ ધેડા, અર્જુનભાઈ થારૂ, વિનોદભાઈ મહેશ્વરી, મોહનભાઈ ડુંગડિયા, સન્નીભાઈ મહેશ્વરી, અંજાર ભાજપ અનુ. મોરચાના પ્રમુખ ડાહ્યાભાઈ રાઠોડ, ભવનભાઈ વિસરિયા, વસંતભાઈ બારોટ, મુકેશભાઈ શામડિયા ઉપસ્થિત રહ્યા હતા.સામત્રા (તા. ભુજ)માં ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય જનસંપર્ક કાર્યાલય ભુજ દ્વારા સામત્રા હાઈસ્કૂલમાં બાળકોની નિબંધ સ્પર્ધા અને માધ્યમિક શાળાનાં બાળકોની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. આ તકે બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાયું હતું. બાળકો સાથે ગ્રામજનો અને સબંધિત અધિકારીઓ તેમજ ક્ષેત્રીય પ્રસારણ અધિકારી કે.આર. મહેશ્વરી, આચાર્ય ગોવિંદભાઈ મહેશ્વરી, શાળાના આચાર્ય દિલીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.મુંદરા : એન.એસ.યુ.આઈ. જેરામસર તળાવ પાસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી બંધારણના ઘડવૈયાની દીર્ઘદૃષ્ટિની પ્રશંસા કરતાં તેમના આદર્શને જીવનમાં ઉતારવા અનુરોધ કરાયો હતો. આ તકે ભુજપુરના નિવૃત્ત આચાર્ય દિનેશ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ કેસરિયા, જિલ્લા મંત્રી ભરત પાતારિયા, નગરસેવક જાવેદ પઠાણ, નિમિતાબેન પાતારિયા, અરવિંદ સથવારા, જિલ્લા એન.એસ.યુ.આઈ. મંત્રી તુષાર મોથારિયા, સિરાજખાન પઠાણ, રમેશ મહેશ્વર તથા હનીફ કેવર વિ. જોડાયા હતા. ખાવડા કુમારશાળા : તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના વર્ગમાં બંધારણના આમુખનું સમૂહ વાંચન કર્યું હતું. શિક્ષક ભરતભાઈ મકવાણા દ્વારા ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે એક ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં સમા રિયાઝ (ધો.8), તન્ના દેવ (ધો.7), ધુવા ખુશાલ (ધો.6), મહેશ્વરી સુનીલ (ધો.6) વિજેતા થયા હતા. રાપરમાં બહુજન ક્રાંતિ મોરચા, ડો. આંબેડકર ગ્રુપ તેમજ વિવિધ સંગઠનો દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરાયું હતું. રાપરના વિવિધ વિસ્તારો તેમજ તાલુકાભરમાંથી રેલી સ્વરૂપે લોકોએ રાપર કોર્ટ પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ રેલી યોજી હતી, જે ટાઉનહોલ ખાતે જાહેર સભામાં ફેરવાઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષ અશોકભાઈ રાઠોડે જણાવ્યું કે, સંવિધાન બચાવવા તેમજ લાગુ કરવાની જવાબદારી તમામ ભારતીયોની છે. અમારા લોકો હંમેશાં સંવિધાનનું પાલન કરતા આવ્યા છે. એટલે અમે ઈમાનદારીથી કહીએ છીએ કે કોઈ પણ સમુદાયના લોકો ઉપર અન્યાય- અત્યાચાર થતા હોય અમે એમને ન્યાય અપાવવા એમની સાથે રહીશું, મહિલા સશક્તિકરણ સહિત વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. કાર્યક્રમના ઉદ્ઘાટક હંસાબેન ચૌહાણ, મુખ્ય અતિથિ પ્રવીણભાઈ મચ્છોયા, ભાણજીભાઈ ડુંગરિયા, આગેવાનો સુંદરભાઈ ચૌહાણ, રવજીભાઈ મેરિયા, કાન્તિભાઈ રાઠોડ, હરેશભાઈ રાઠોડ, હસમુખભાઈ ગોહિલ, બિપિનભાઈ ડોડિયા, મહેન્દ્રભાઈ મૂછડિયા, દિલીપભાઈ ગોહિલ, હરેશભાઈ ગોહિલ, દિલીપભાઈ રાઠોડ, હનીભાઈ ગોહિલ, એસસી, એસટી, ઓબીસી તેમજ લઘુમતી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer