હસિયા ઉસ્તાદે તબલાંને આપી આખરી થાપી : શોક ફેલાયો

હસિયા ઉસ્તાદે તબલાંને આપી આખરી થાપી : શોક ફેલાયો
માંડવી/ગઢશીશા, તા. 26 : તબલાવાદક સંતવાણીમાં આંગળીને ટેરવે સુરોને નૃત્ય કરાવતા કચ્છ-સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને બૃહદ કચ્છમાં હસિયા ઉસ્તાદ તરીકે લાડલા તબલાવાદક મહમદહુસેન લંગાનું અકાળે સાંજે નિધન થતાં સુરસાધકો અને સંતવાણીની દુનિયામાં આઘાત પ્રસરી ગયો છે. બહોળો ચાહક વર્ગ ધરાવતા એ મીઠડા માડુને વિવિધ સમુદાયો ભાવાંજલિ આપી હતી. મુળ માંડવી તાલુકાના મોટા રતાડિયા ગામના આ તબલાવાદક તરીકે કલાકારે સારી નામના મેળવી હતી. સામાજિક સમરસતાના પ્રહરી હતા. માત્ર 39 વર્ષની વયે આજે પરોઢે ફાની દુનિયા છોડી જતાં કચ્છના ખાસ કરીને ભજનપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. ગુરુવાર રાત્રે નાના રતડિયા (તા. માંડવી) ખાતે ક્ષત્રિય સંગાર સમાજના ઈષ્ટદેવ યક્ષદાદા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે સંતવાણીના કાર્યક્રમમાં પોતાની આગવી શૈલીમાં તબલા પર થાપી પાડી સંતવાણીનો આખરી કાર્યક્રમ આપ્યા બાદ પરોઢે માંડવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેઓ પોતેજ પોતાના દ્વિચક્રી વાહનથી હોસ્પિટલ સુધી પહોંચ્યા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમણે પોતાના પરિવાર અને સંગીતની દુનિયાને થાપી આપી વિદાય લીધી હતી. સદ્ગત હસિયા ઉસ્તાદ જાણીતા કથાકાર મોરારિબાપુની કથામાં થાઈલેન્ડ સુધી સંગીત પર પોતાના તબલાના સુર આપ્યા હતા. બ્રહ્મલીન નારાયણસ્વામી, નિરંજન પંડયા, સ્વ. યોગેશપુરી, લક્ષ્મણ બારોટ, જગમાલ બારોટ, કીર્તિદાન ગઢવી, ભારતીબેન વ્યાસ, પુનશી ગઢવી, હરિ ગઢવી, નિમેશ ગઢવી, ઓસમાણ મીર, દેવરાજ ગઢવી (નાનો ડેરો), માયાભાઈ આહીર, સાંઈરામ દવે, નીલેશ ગઢવી, લલિતાબેન ઘોડાદ્રા, સમરથસિંહ સોઢા જેવા અનેક કલાકારો સાથે કચ્છ તથા કચ્છ બહાર તબલા પર સંગત કરી હતી. આ સમાચાર સાંભળી રમેશ જોષી, વસંત ભદ્રા, ડાયાભાઈ ગઢવી, પીયૂષ જોષી, દેવાંગ ગઢવી, મનુભાઈ જંગમ વગેરે કલાપ્રેમીઓ અંતિમદર્શન માટે દોડી આવ્યા હતા. શહેર ભાજપના પ્રમુખ દેવાંગ દવે, ગનીભાઈ ઉઠાર તેમજ તેમના પરિવારજનો સમાજના હાજર રહ્યા હતા. પાલુભાઈ ગઢવી શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે તેમને તબલાંવાદનની ઈશ્વરીય દેન હતી.  માંડવીથી મહેશભાઈ ઈન્દુભાઈ જાનીએ હસિયા ઉસ્તાદને ઉમદા કલાકાર ગણાવી અંજલિ અર્પણ કરી હતી.દરમ્યાન કંકેશ્વર મહાદેવ ભજનાનંદી મિત્ર મંડળ રતનાલ દ્વારા હસિયા ઉસ્તાદને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દર સોમવારે કંકેશ્વર મહાદેવમાં વર્ષોથી યોજાતી સંતવાણીમાં હાજરી આપતા હતા. કંકેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા દુ:ખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી તેવું રતનાલના પ્રતિનિધિ રસિકભાઈ વેપારીની યાદીમાં જણાવામાં આવ્યું હતું. માતાનામઢ ઉસ્તાદ પરિવાર વતી શોક વ્યકત કરતાં આમદભાઈ ઉસ્તાદે જણાવ્યું હતું કે કચ્છ-કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર એવો કોઈ ભજનિક નહીં હોય જેમના સાથે હસિયા ઉસ્તાદે સંગત ન કરી હોય. કચ્છને મોટી ખોટ પડી છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer