કચ્છમાં બાગાયત ઉત્પાદનોને વિદેશ પહોંચાડવા એર કાર્ગોની સુવિધા આપવા માંગ

કચ્છમાં બાગાયત ઉત્પાદનોને વિદેશ પહોંચાડવા એર કાર્ગોની સુવિધા આપવા માંગ
ભુજ, તા. 26 : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની રિજિઓનલ ચેમ્બર બેઠક ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં યજમાનપદે ગાંધીધામમાં મળી હતી, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બેઠકમાં ભુજ ચેમ્બરને રાજ્યમાં સભ્યપદ આપવાને આવકાર મળ્યો હતો. ગુજરાત ચેમ્બરના પ્રમુખ સમક્ષ કચ્છના પ્રાણપ્રશ્નોની રજૂઆત ભુજના પ્રમુખ અનિલભાઈ ગોર દ્વારા કરવામાં આવી, જેમાં કચ્છમાં માપણી વધારાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. મહેસૂલ ધારામાં માત્ર કચ્છને જે માપણી વધારો લાગુ પડે છે અને માપણી વધારાની રિકવરી બજાર કિંમત પ્રમાણે માગવામાં આવે છે, જે કિંમત મૂળ કિંમત કરતાં અનેકગણી થાય છે જેની રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાં બાગાયતી ખેતીનો વિકાસ ખૂબ જ થયો છે, જેમાં દાડમ, ખારેક, કેરી તથા ડ્રેગન ફ્રૂટનો સમાવેશ થાય છે. આ ફ્રૂટ જલ્દીથી નાશ પામે છે ત્યારે આ ફળને કોસ્મેટિક તથા ઈન્ટરનેશનલ માર્કેટમાં પહોંચતી કરવા કાર્ગો એર સર્વિસ જરૂરી છે. કચ્છ માટે કાર્ગો એરસર્વિસ શરૂ કરવા માંગ મૂકવામાં આવી હતી. તે જ રીતે કચ્છનો અખાતી દેશો-આફ્રિકા તથા યુરોપના દેશમાં કચ્છીઓ વસેલા છે. હાલે ઉદ્યોગોના વિકાસને કારણે પણ આંતરરાષ્ટ્રકીય વ્યવહારો વધ્યા છે ત્યારે કચ્છને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક મળે તેવી માંગ કરવા ગુજરાત ચેમ્બર પ્રમુખ પાસે રજૂઆત કરવામાં આવી હતી. ચેમ્બરના ઉપપ્રમુખ રાજુભાઈ ટાંક દ્વારા હાલે પ્રવાસન ક્ષેત્રે માંડવીનો વિકાસ, માંડવીનો દરિયા કિનારો બીચ જે ગોવાને સમકક્ષ વિકાસ પામે તેવો છે, પણ વનતંત્રનો જમીનનો કાયદો નડતરરૂપ બને છે જેનો સુધારો કરવા રજૂઆત કરવામાં આવી હતી. ચેમ્બરના મહામંત્રી જગદીશ ઝવેરી દ્વારા ભૂકંપને 20 વર્ષના વહાણા વીતી ગયા, પણ ભુજ અને કચ્છના વેપારી પ્રિફેબમાં બેસી અગવડતામાં ધંધો કરે છે તેમજ વ્યથાને વાચા આપી એપાર્ટમેન્ટ પડી જતાં ફ્લેટધારકને જમીન તથા સહાયની રકમ મળી ગઈ છે, પણ એપાર્ટમેન્ટની દુકાન ધરાવનારા તે આજે પણ પ્રિફેબમાં બેસી ધંધો-રોજગાર કરવો પડે છે, જેની રજૂઆત કરવામાં આવી હતી. શ્રી ગોરે રિલોકેશન સાઈટમાં સહાયના લાભાર્થી માટે બનાવેલાં કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનો આજે પણ લાભાર્થીઓને નથી મળી અને બજાર કિંમતે સરકારે આપવા તૈયારી બતાવેલી છે જેને જે-તે સમયની બજાર કિંમત રાખવા જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન-ભુજના પ્રમુખે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં જોડાવવા જાહેરાત કરી જેને ગુજરાતના પ્રમુખ હેમંતભાઈ શાહ તથા તેમની ટીમે સાથે સન્માન કરી આવકારી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer