વિદેશી ઔષધિ કૃષ્ણ ફળનો કચ્છમાં પ્રયોગ

વિદેશી ઔષધિ કૃષ્ણ ફળનો કચ્છમાં પ્રયોગ
વિથોણ (તા. નખત્રાણા), તા. 26 : બાગાયતી પેદાશોને પ્રાધાન્ય આપતા પશ્ચિમ કચ્છના ખેડૂતોને ખેતી માફક આવી રહી છે. ફળોના રાજા કેસર કેરીનો દબદબો તો છે જ, હવે દાડમ, કમલમ, સફરજન અને હવે વિદેશી આયુર્વેદિક ઔષધી કૃષ્ણ ફળના વાવેતરનો સફળ પ્રયોગ દેશલપરના ખેડૂત અંબાલાલ પટેલે કર્યો છે. દેશલપરથી એક કિ.મી. નખત્રાણા તરફના રસ્તા ઉપર વાડીમાં કૃષ્ણ ફળનો બગીચો જોવા મળે છે. આબોહવા અનુકૂળ આવતાં અત્યારે વેલ-છોડ પાંગર્યા છે. કૃષ્ણ ફળની ખેતી માટે નાગરવેલના પાનની જેમ માંડવો બનાવવો પડે છે. ફળની વેલ થાંભલા ઉપર ચડી જાય છે અને માંડવા ઉપર વેલ પથરાઇ જાય છે અને તેમાં ફળ લાગે છે.આયુર્વેદિક ફળની માર્કેટિંગ થાઇલેન્ડ જેવા દેશોમાં કરવી પડે છે. કૃષ્ણ ફળનો ભાવ પ્રતિ કિલો 1500?રૂા.થી ઉપર છે. ખેડૂતોના જણાવ્યા મુજબ માવજત બરોબર થાય તો આ ફળના વેપારમાં મોટી આવક થાય તેમ છે. ઔષધિની જરૂરિયાત મુજબ જમીન ખાતર અને પાણી આપવામાં આવે છે. વાવેતરના ચાર માસ પછી ફળ લાગવાનું ચાલુ થાય છે. ઔષધિ ખેતીનું વાવેતર અત્યારે માત્ર દોઢ એકરમાં કર્યું છે. બધું જ માફક આવશે તો આવતા દિવસોમાં વધુ વાવેતર કરવાની તૈયારી છે. તેમના જણાવ્યા અનુસાર નવતર પ્રયોગ હોવાથી માવજત ખૂબ જ કરવી પડે છે. નિયમિત પાણી, ખાતર અને છોડને પાંગરવાની ખુલ્લી જગ્યા રાખવી પડે છે. આ ફળમાં જીવાતનો ખતરો નહિવત રહે છે. આજુબાજુના ગામના ખેડૂતો આવે છે. જો પ્રયોગ સફળ થશે તો આવતા દિવસોમાં પશ્ચિમ કચ્છની વાડીઓમાં કૃષ્ણ ફળના બગીચા જોવા મળે તો નવાઇ નહીં થાય. વિદેશી ઔષધી હોવાથી અત્યારે માવજત માગે છે એમ આ ખેડૂતે ઉમેર્યું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer